Site icon Revoi.in

ગાંધીનગર મ્યુનિ. સંચાલિત અંગ્રેજી માધ્યમની 5 શાળાઓમાં શિક્ષકો જ નથી, ક્યાંથી ભણશે બાળકો

Social Share

ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત પાંચ જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં શિક્ષકો જ નથી. તો બાળકો કેવી રીતે ભણતા હશે. એવો પ્રશ્ન ઊઠ્યો છે. ગત વર્ષે પ્રવાસી શિક્ષકો બાળકોને ભણાવતા હતા. આ વખતે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને સવાથી દોઢ મહિનો વિતી ગયો હોવા છતાં હજુ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. તેથી અંગ્રેજી માધ્યમની પાંચ શાળાઓ શિક્ષકો વિનાની છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગાંધીનગરની મ્યનિ, કોર્પોરેશન હસ્તકની 5 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 200 જેટલા બાળકો ધોરણ-1થી 3માં અભ્યાસ કરે છે જેની સામે શિક્ષક એકપણ નથી. અગાઉ પ્રવાસી શિક્ષકો અભ્યાસ કરાવતા હતા, હાલ એ પણ નથી. શાળાઓ ખુલ્લાને દોઢ માસ જેટલો સમય થવા છતાં શિક્ષકોની ભરતી નહી કરતા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં 5 અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ 5 વર્ષ અગાઉ શરૂ કરવામાં આવી હતી. સરકારી વ્યવસ્થામાં ઇંગ્લિશ મીડિયમની શરૂઆત થતા વાલીઓ પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માટે પ્રવેશ લીધો છે. જોકે રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ-1થી 5 અંગ્રેજી માધ્યમની શાળાની મંજુરી આપી છે. પરંતુ શિક્ષકો ભરવામાં નહી આવતા વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષથી પ્રવાસી શિક્ષકોથી શિક્ષણ આપવાની કામગીરી કરવામાં આવી રહી હતી. છેલ્લા બે વર્ષથી તો પ્રવાસી શિક્ષકોની ભરતી કરી હતી. પરંતુ ચાલુ વર્ષે સત્ર શરૂ થયું ત્યારથી પ્રવાસી શિક્ષકો પણ લેવામાં આવ્યા નથી. નિયમિત શિક્ષકો લેવાને બદલે સિનિયર અને જુનિયર કે.જી.ના શિક્ષકોને ધોરણ-1થી 3ના વિદ્યાર્થીઓને પણ અભ્યાસ કરાવવાનું ફરમાન કરાયું છે પરંતુ તેનાથી ગુણવત્તાનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ વિદ્યાર્થીઓને મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના પાટનગર ગણાતા ગાંધીનગરની અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ હાલમાં શિક્ષકો વિના જ શિક્ષણ મેળવી રહ્યા છે. નગરની સેક્ટર-24 સરકારી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા નંબર-1, સેક્ટર-13 સરકારી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, સેક્ટર-29 સરકારી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, બાસણ સરકારી અંગ્રેજી માધ્યમક પ્રાથમિક શાળા, ઇન્દ્રોડા સરકારી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષકો વિના અભ્યાસ કરી રહ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના મહેકમ મુજબ 30 વિદ્યાર્થીઓએ એક શિક્ષક ભરતી કરવામાં આવે છે. જ્યારે નગરની 5 અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં હાલમાં અંદાજે 200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આથી 7 શિક્ષકોની જરૂર પડે પરંતુ તેની સામે હાલમાં એકપણ શિક્ષક નથી.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મોટા ઉપાડે શરૂ કરાયેલી પાંચ અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1થી 3ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ એકપણ શિક્ષકની ભરતી કરી નથી. પરંતુ હાલમાં વિદ્યાર્થીઓને જુનિયર અને સિનિયર કેજીના શિક્ષકો બાળકોને શિક્ષણ આપી રહ્યા હોવાથી બાળકોની કારકિર્દી સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાનું ગાંધીનગર મહાનગર પાલિકાના વિપક્ષના કોર્પોરેટર અંકિત બારોટે જણાવ્યું હતુ. બારોટે આ મામલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પણ લખ્યો છે.

Exit mobile version