Site icon Revoi.in

ગાંધીનગર મ્યુનિ.કોર્પો.ની ચૂંટણીમાં પ્રતિષ્ઠાભર્યો જંગ, ભાજપની રેલીમાં પાટિલ અને CM જોડાયા

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરની મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો છે. ભાજપે છેલ્લા બે દિવસથી ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પેથાપુર મહારાણા પ્રતાપ સર્કલથી કુડાસણ સરદાર ચોક સુધીના 20 કિલો મીટર લાંબા ભવ્ય રોડ શોનો યોજાયો હતો. ભાજપના શક્તિપ્રદર્શનમાં કાર, બાઈક સહિતનાં સેંકડો વાહનોમાં ભારે જનમેદની સાથે રેલી નીકળી હતી. ત્યારે ઠેર ઠેર ટ્રાફિકજામનાં દૃશ્યો પણ સર્જાયા હતા.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસના મતોનું વિભાજન કરી બન્ને મોટા પક્ષોને નુકસાન પહોંચાડી શકે છે એવો મત વહેતો થતાં ખાસ કરીને નવાં ભળેલાં 18 ગામડાં પર ભાજપ દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જેને પગલે પેથાપુર નગરપાલિકાને ભારે વિરોધ વચ્ચે કોર્પોરેશનમાં સમાવી લેવામાં આવતાં અત્રે મતદારો મહત્ત્વના બની ગયા છે. એટલા માટે જ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પછી આજે ભાજપે પણ પોતાની રેલીનો પ્રારંભ પેથાપુરથી જ કરવામાં આવ્યો હતો.

ભાજપે કોર્પોરેશનની 11 બેઠક પર 44 સીટ જીતવાના દાવા સાથે પ્રચાર કરી એડીચોંટીનું જોર લગાવી દેવામાં આવ્યું હતું. લોકસભા સાંસદ અમિત શાહનો વિસ્તાર ગાંધીનગર હોવાથી ભાજપ માટે કોર્પોરેશનની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે. આ અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અત્યારસુધીની ચૂંટણીનાં પરિણામો મુજબ ગાંધીનગરમાં કોર્પોરેશનમાં 100 ટકા સ્પષ્ટ બહુમતી હાંસલ કરશે. ભાજપના કાર્યકરો હંમેશાં પબ્લિક વચ્ચે રહીને સતત કાર્યરત રહેતા હોય છે. જ્યારે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું હતું કે બીજેપી કાર્યકર્તાની પાર્ટી છે, તેઓ લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં પ્રજાની વચ્ચે રહેતા હોય છે. ગાંધીનગરની કુલ વસતિના પ્રમાણમાં વિકાસ થઈ રહ્યો છે, જે ગાંધીનગરના મતદારોને પણ ખ્યાલ છે. આ ચૂંટણીમાં પણ પૂર્ણ બહુમતીથી જીત મેળવીશું. મુખ્યમંત્રી અને સીઆર પાટીલે બલૂન ઉડાડીને રેલીનો પ્રારંભ કરાવ્યો હતો.