Site icon Revoi.in

દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા ગાંધીનગર ST ડેપો વધારની 60 બસો દોડાવશે

Social Share

ગાંધીનગરઃ દિવાળીનાતહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે જુદા જુદા શહેરોમાં નોકરી કે રોજગાર ક્ષેત્રે જોડાયેલા લાકો પોતાના વતન જવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. આથી મુસાફરોને અગવડ પડે નહીં તે માટે ગાંધીનગર એસ ટી તંત્ર દ્વારા અત્યારથી જ આગોતરું આયોજન કરીને 60 જેટલી વધારાની ટ્રીપો દોડતી કરવા માટે રૂટ નક્કી કરી દેવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર એસ.ટી ડેપો મારફતે અલગ અલગ રૂટ પર રેગ્યુલર 80 ટ્રીપ દોડાવવામાં આવે છે. કોરોનાકાળ દરમિયાન લોકડાઉન લાગુ થતાં એસ.ટી.ના પૈડાં થંભી ગયા હતા. જેનાં કારણે ગાંધીનગર ડેપોને લાખો રૂપિયા નુકશાની વેઠવાનો વખત આવ્યો હતો. જો કે કોરોનાકાળ પછી તહેવારોની મૌસમ શરૂ થઈ હોવાથી ધીમે ધીમે એસ.ટી ડેપો આવક રળવા માંડ્યું છે. મોટા ધાર્મિક તહેવારો નિમિત્તે એસ.ટી તંત્ર દ્વારા ખાસ બસો દોડાવવામાં આવતી રહેતી હોય છે. ત્યારે દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને ગાંધીનગર એસ.ટી તંત્ર દ્વારા આગોતરું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. રેગ્યુલર રૂટ સિવાય વધારાની 60 જેટલી બસો દોડાવવા માટે તૈયારીઓ કરવામાં આવી છે.

ગાંધીનગર એસટી ડેપાના અધિકારીના જણાવ્યા મુજબ  અત્યારે રેગ્યુલર રૂટો પર બસો દોડાવવામાં આવી રહી છે. પરંતુ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી પ્રવાસીઓને વતનમાં જવા માટે કોઈ મુશ્કેલી ના પડે તે માટે બસના રૂટ વધારવામાં આવશે. જે મુજબ અલગ-અલગ રૂટ પર બસો દોડાવવામાં આવશે. આ માટે અત્યારથી ડ્રાઇવર અને કંડક્ટરને સૂચન કરી દેવામાં આવ્યું છે. ગાંધીનગરમાં જુદા જુદા કામ માટે રોકાયેલા લોકો તેમજ અહીં કામ કરતા લોકો તેમના વતન દિવાળીની રજાઓમાં જતા હોય છે. ત્યારે તેમના હિતને ધ્યાનમાં રાખી બસો દોડાવવામાં આવશે. જેમાં સૌથી વધુ દાહોદ વિસ્તારમાં બસો દોડાવવામાં આવશે. પ્રવાસીઓની માગણી પ્રમાણે આ બસો દોડાવવામાં આવશે. દિવાળી માટે 50થી 60 બસોને દોડાવવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે પણ એટલી બસો મોકલાશે. બરોડા અને દાહોદમાં પેસેન્જર વધુ હોવાથી ત્યાં વધુ બસો દોડાવવામાં આવશે. દિવાળી કરવા માટે પ્રવાસીઓ ઘરે જતા હોવાથી આ બસની રૂટ ત્યાં મોકલવામાં આવશે. અત્યારે રેગ્યુલર રૂટ પ્રમાણે 80 બસો ગાંધીનગરથી અલગ ડેપો માટે દોડાવવામાં આવતી હોય છે. પરંતુ દિવાળીમાં રૂટ અને બસો વધારવામાં આવશે. જેથી ટોટલ 140 જેટલી બસો દિવાળીના તહેવારમાં દોડાવવામાં આવશે. પોઈન્ટ પ્રમાણે કંડકટરને ડ્રાઈવરને રૂટ પણ આપવામાં આવ્યા છે.