નવી દિલ્હી, 5 ઓગસ્ટ 2026: દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવર્તન નિર્દેશાલય એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સૌથી વધુ ચર્ચા અને વિવાદોમાં રહેલી કેન્દ્રીય તપાસ એજન્સીઓ પૈકીની એક બની ગઈ છે. મની લોન્ડરિંગ અને આર્થિક અપરાધો સાથે જોડાયેલા ગંભીર કેસોમાં એજન્સી દ્વારા સતત દરોડા અને કાર્યવાહીનો વ્યાપ વધારવામાં આવ્યો છે. જો કે, તાજેતરમાં સંસદમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ એક તદ્દન અલગ જ અને ચોંકાવનારી તસવીર રજૂ કરે છે. સંસદમાં રજૂ થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા પાંચ નાણાકીય વર્ષો દરમિયાન ED દ્વારા કુલ 4622 કેસો નોંધવામાં આવ્યા છે, જેમાંથી 2444 મામલાઓમાં ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને 1243 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આટલી મોટી કાર્યવાહી અને ધરપકડ છતાં માત્ર 43 કેસોમાં જ દોષસિદ્ધિ થઈ શક્યો છે, જેમાં કુલ 104 આરોપીઓને સજા મળી છે.
સરકાર દ્વારા રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, 30 જૂન 2026 સુધીમાં ED દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ વિશેષ અદાલતોમાં 24444 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આ તમામ કેસો હાલ દેશની અલગ-અલગ વિશેષ અદાલતોમાં વિવિધ તબક્કે વિચારધીન છે. સરકાર દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે દેશની જેલોમાં બંધ રહેલા અંડરટ્રાયલ કેદીઓનો કોઈ કેન્દ્રીય ડેટા ઉપલબ્ધ નથી, કારણ કે ઘણા કિસ્સાઓમાં મૂળ ધરપકડ અન્ય સ્થાનિક કે અન્ય તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવી હોય છે.
-
પાંચ વર્ષમાં કુલ 4622 કેસો નોંધાયા
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન નોંધાયેલા કેસોની વાર્ષિક વિગતો જોઈએ તો, સંસદમાં રજૂ કરાયેલા ડેટા મુજબ EDએ વર્ષ 2021-22માં 1116 કેસ, 2022-23માં 935 કેસ, 2023-24માં 698 કેસ, 2024-25માં 775 કેસ અને 2025-26માં 1080 કેસ નોંધ્યા છે. આમ, પાંચ વર્ષના ટૂંકા ગાળામાં કુલ 4622 કેસો નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન આવકવેરા વિભાગ દ્વારા 2127 કેસો દાખલ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ, દોષસિદ્ધિ એટલે કે કોર્ટ દ્વારા સજા ફટકારવાના આંકડા અત્યંત ઓછા જોવા મળે છે.
સરકારના જણાવ્યા અનુસાર EDને વર્ષ 2021-22માં માત્ર 3 કેસમાં, 2022-23માં 9 કેસમાં 2023-24માં 13 કેસમાં, 2024-25માં 9 કેસમાં અને 2025-26માં 9 કેસમાં સફળતા મળી છે. આમ પાંચ વર્ષના સમયગાળામાં કુલ 43 કેસમાં જ દોષસિદ્ધિ થઈ શક્યો છે, જેમાં 104 આરોપીઓને સજા થઈ છે.
-
આકવેરા વિભાગના 233 કેસમાં દોષસિદ્ધિ થઈ શક્યો
આવકવેરા વિભાગના કેસોની વાત કરીએ તો, આ પાંચ વર્ષો દરમિયાન 233 કેસમાં દોષસિદ્ધિ થઈ શક્યો છે, જ્યારે 854 કેસોમાં આરોપીઓ કોર્ટ દ્વારા નિર્દોષ છૂટ્યા છે. સરકાર તરફથી આ અંગે સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે, જે વર્ષે કેસ નોંધાયો હોય તે જ વર્ષે દોષસિદ્ધિ કે એક્વિટલ થાય તે જરૂરી નથી, કારણ કે ન્યાયિક પ્રક્રિયા લાંબી હોવાને કારણે કેસના ચુકાદાઓ આવવામાં વર્ષોનો સમય લાગી જાય છે.
PMLA હેઠળ નોંધાયેલા કેસોમાં ન્યાયિક પ્રક્રિયામાં આટલી બધી લાંબી રાહ કેમ જોવી પડે છે તે પાછળનું મુખ્ય કારણ તેની જટિલ તપાસ પ્રક્રિયા છે. ED પહેલા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરે છે અને જરૂર પડ્યે આરોપીની ધરપકડ કરે છે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ વિશેષ PMLA અદાલતમાં ફરિયાદ કે ચાર્જશીટ દાખલ થાય છે. ત્યારબાદ કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ આરોપ નક્કી કરવા, સાક્ષીઓની પૂછપરછ અને ગવાહી, દસ્તાવેજોની ચકાસણી અને આખરી દલીલોથી લઈને અંતિમ ચુકાદા સુધીની લાંબી ન્યાયિક પ્રક્રિયા ચાલે છે. આ જ કારણ છે કે મોટી સંખ્યામાં કેસો વર્ષો સુધી ટ્રાયલ સ્ટેજ પર પડતર રહે છે અને દોષસિદ્ધિનો આંકડો દેખીતી રીતે ઘણો ઓછો દેખાય છે.

