Site icon Revoi.in

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં ગૌતમ અને ગોદાવરી સફેદ વાઘની જોડી આકર્ષણનું કેન્દ્ર બની

Social Share

ગાંધીનગરઃ રાજકોટના ઝૂમાંથી ગાંધીનગર ખાતેના ઇન્દ્રોડા પાર્કમાં સફેદ વાઘની જોડીને લાવવામાં આવી છે. ગીર ફાઉન્ડેશન સંચાલિત ઇન્દ્રોડા નેચર પાર્કમાં સફેદ વાઘની જોડી લાવતા અબાલવૃદ્ધ સૌ કોઇના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જોકે રાજકોટના પ્રાણી સંગ્રહાલયમાંથી એક સપ્તાહ અગાઉ સફેદ વાઘની જોડીને ઇન્દ્રોડા પાર્કમાં લાવવામાં આવી હતી. ગૌતમ અને ગોદાવરી સફેદ વાઘની જોડીને રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાંથી રાત્રીના સમયે લાવવામાં આવી હોવાનું રાજ્યના પ્રાણી સંગ્રહાલય વિભાગના અધિકારીએ જણાવ્યું છે. ઇન્દ્રોડા પાર્કમાં અગાઉ સિંહની જોડી લાવવામાં આવી હતી. સફેદ વાઘ અને વાઘણનો દરરોજનો 5થી 6 કિલો માંસનો ખોરાક છે. સફેદ વાઘની આંખોના રેટીનાનો કલર વાદળી કલરનો હોવાથી આંખો વાદળી હોય છે.

પાટનગર ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં લાવવામાં આવેલા વાઘ અને વાઘણનો જન્મ રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં જ થયો હતો. આથી વાતાવરણ, પાણી, ઘર સહિતમાં આવેલા પરિવર્તનને લીધે વાઘની જોડીને 3થી 6 સપ્તાહ સુધી ક્વોરન્ટાઇન રખાશે. તે દરમિયાન એનિમલ કીપર દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.

રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં વર્ષ 2015માં એક નર અને માદા સફેદ વાઘ લાવવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટનું વાતાવરણ માફક આવતાં બ્રિડિંગ સારું થતા પાંચ વર્ષમાં નવ સફેદ વાઘનો જન્મ થયો હતો. વન્ય પ્રાણીઓનું ખરીદ વેચાણ પર પ્રતિબંધ છે. પરંતુ પ્રાણીઓનું આદાન-પ્રદાન કરવા પર કોઈ પાબંદી નથી. ભારતમાં વાઈટ ટાઈગર હલબીનો ટાઇગર તરીકે ઓળખાય છે. સફેદ વાઘના જુદી જુદી જગ્યાએ બ્રિડિંગ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બધી જગ્યાએ બ્રિડિંગ મોકલાયું હતું. જ્યારે આ તેના વંશજ રાજકોટ બાદ ઈન્દ્રોડા પાર્કમાં જોવા મળશે.