Site icon Revoi.in

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ ખંડેરમાં ફેરવાઈ

Social Share

નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મિશને ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ, અલ-શિફાની મુલાકાત લીધી અને ત્યાંની પરિસ્થિતિને લઈ નિરિક્ષણ કર્યુ હતુ. WHOની ટીમને જાણવા મળ્યું કે, આ સૌથી મોટી હોસ્પિટલ છે જે એક સમયે આરોગ્ય સેવાઓની કરોડરજ્જુ હતી, તે રાખ થઈ ગઈ હતી અને ત્યાં ઘણા મૃતદેહો પડ્યા હતા.

નોંધનીય છે કે, બે અઠવાડિયાના સૈન્ય ઓપરેશન પછી, ઇઝરાયેલના સુરક્ષા દળો ગાઝા શહેરની અલ-શિફા હોસ્પિટલમાંથી બહાર આવ્યા હતા. જે પછી, શુક્રવારે ઘણા પ્રયત્નો પછી, WHO મિશન હોસ્પિટલમાં દાખલ થવામાં સફળ રહ્યુંહતું.

WHO ચીફ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે ટ્વિટર પર એક ટ્વિટમાં હોસ્પિટલની પરિસ્થિતિ વિશે માહિતી આપતા કહ્યું કે, WHO અને તેના સાથીદારોની ટીમ અલ-શિફા સુધી પહોંચવામાં સફળ થયા, જે એક સમયે ગાઝાની આરોગ્ય સેવાઓની કરોડરજ્જુ હતી. જે હાલ માનવ કબરોના ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. હોસ્પિટલ સંકુલનો મોટાભાગ  નાશ પામ્યો છે અને મોટાભાગની વસ્તુઓ રાખ થઈ ગઈ છે. WHO ટીમને મિશન દરમિયાન ઓછામાં ઓછા પાંચ મૃતદેહો મળ્યા હતા.

ટેડ્રોસે શોક વ્યક્ત કર્યો હતો કે ગયા વર્ષે ઇઝરાયેલ દ્વારા હોસ્પિટલ પરના પ્રથમ હુમલા બાદ અલ-શિફામાં પાયાની સેવાઓને પુનઃજીવિત કરવાના WHO અને અન્ય સહાય જૂથોના પ્રયાસો નિરર્થક રહ્યા છે અને લોકોને ફરી એકવાર જીવનરક્ષક આરોગ્ય સેવાઓની જરૂર છે. ટેડ્રોસે જણાવ્યું હતું કે, ગાઝામાં તાત્કાલિક પગલાંની જરૂર છે કારણ કે અકાળ મૃત્યુનો ખતરો છે, રોગ ફેલાઈ રહ્યો છે. WHO અનુસાર, ગાઝાની 36 મુખ્ય હોસ્પિટલોમાંથી માત્ર 10 જ આંશિક રીતે કાર્યરત છે.

નોંધનીય છે કે, 7 ઓક્ટોબરે હમાસ હુમલા દ્વારા ઇઝરાયેલ પરના ભયાનક હુમલા બાદ ગાઝા યુદ્ધ શરૂ થયું હતું. હમાસના હુમલામાં દક્ષિણ ઇઝરાયેલમાં 1,170 લોકો માર્યા ગયા હતા અને લગભગ 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ઇઝરાયેલ હમાસને નષ્ટ કરવાના ઉદ્દેશ્ય સાથે બોમ્બમારો કરવાનું ચાલુ રાખે છે, જેમાં સામાન્ય નાગરિકોના મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ બાળકો અને મહિલાઓ છે. ઈઝરાયેલના આ હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 33,137 લોકો માર્યા ગયા છે.