Site icon Revoi.in

અમદાવાદના સેટેલાઈટમાં ઘરઘાટીને માલિકની કાર ચલાવવી ભારે પડી, અકસ્માત બાદ નાસી ગયો

Social Share

અમદાવાદઃ  શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા એક ફેકટરીના માલિકે પોતાના ઘરે આવ્યા બાદ તેના ઘરઘાટીને કારમાંથી મુકેલો સામાન લઈ આવવા માટે કહ્યું હતું. ઘરઘાટી માલિક પાસેથી કારની ચાવી લઈને ફ્લેટ્સના બેઝમેન્ટમાં ગયો હતો જ્યાં તેને કાર ચાલાવવાનો શોખ હોવાથી કાર ચાલુ કરીને ચલાવવાની કોશિષ કરતો હતો ત્યારે કાર પરથી કંટ્રોલ ગુમાવતા કાર પિલ્લર સાથે અથડાઈ હતી અને કારને સારૂએવું નુકશાન પણ થયું હતું ત્યારબાદ માલિક ઝગડશે તેવા ડરને કારણે કાર મુકીને માલિકના ઘર પર આવી ગયો હતો. ત્યારબાદ હમણા આવું છું તેમ કહીને નાસી ગયો હતો. માલિકને તો બીજા દિવસે પોતાની કાર ડેમેજ થઈ હોવાની ખબર પડી હતી. બેઝમેન્ટના સીસીટીવી તપાસતા પોતાના ઘરઘાટીએ જ પિલ્લર સાથે કાર અથડાવી હાવી ખબર પડી હતી. આખરે ઘરઘાટી સામે સેટેલાઈટ પાલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સેટેલાઈટમાં રહેતા અને ફેક્ટરીના માલિક સજ્જનકુમાર તારાચંદ અગ્રવાલે તેમના ઘરઘાટી દિલીપ માંગીલાલ મીણા સામે ફરિયાદ નોંધાવી છે. સજ્જનકુમારે કરેલી ફરિયાદ મુજબ, તેમના પુત્ર રાહુલભાઈએ તેમના 23 વર્ષીય ઘરઘાટી દિલીપ મીણાને સોસાયટીના બેઝમેન્ટમાં પાર્ક કરેલી કારમાંથી સામાન લઈ આવવા માટે કહ્યું હતું. એ પછી દિલીપ કારમાં મૂકેલો સામાન લેવા માટે બેઝમેન્ટમાં ગયો હતો. સામાન લઈને આવ્યા બાદ દિલીપ જમીને જતો રહ્યો હતો. બીજા દિવસે સવારે સજ્જનકુમારની પુત્રવધુ કિર્તીબહેને કાર લઈ તેમના બાળકોને મૂકવા જવાનું હોવાથી બેઝમેન્ટમાં ગયા હતા. બેઝમેન્ટમાં જઈને જોયુ તો તેમની કારની આગળના અને પાછળના ભાગે નુકસાન થયું હતું. એટલે કિર્તીબહેને પાછા ઘરે જઈને પરિવારને જાણ કરી હતી. તેમને લાગ્યું કે કદાચ પરિવારના કોઈ સભ્ય દ્વારા આ અકસ્માત થયો હશે એટલે તેની સ્પષ્ટતા કરી હતી. પરંતુ પરિવારના સભ્યોએ આ વાતનો ઈનકાર કર્યો હતો. આ અકસ્માત કેવી રીતે થયો એ જાણવા માટે પરિવારના સભ્યોએ આખરે સીસીટીવી તપાસ્યા હતા.
સીસીટીવી તપાસ્યા બાદ ઘરઘાટી દિલીપનો કાંડ બહાર આવ્યો હતો. જ્યારે તે કારમાં મૂકેલો સામન લેવા માટે ગયો ત્યારે તેને કાર ચલાવવાની ઈચ્છા થઈ હતી. એટલે તેણે કાર ચાલુ કરી ચલાવવા લાગ્યો હતો. આ દરમિયાન તેણે કારને બેઝમેન્ટના પિલ્લર સાથે અથડાવી નુકસાન કર્યું હતું. જો કે, આ ઘટના બાદ મૂળ ડુંગરપુરના આસપુરનો રહેવાસી દિલીપ મીણા પાછો ફર્યો નહોતો. એટલે સજ્જનકુમારે એન ડિવીઝન ટ્રાફિક પોલીસમાં દિલીપ મીણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.