Site icon Revoi.in

ઘોઘા-હજીરા ફેરી સેવાને સરકારી પ્રોત્સાહન નહીં મળે તો કાયમી પૂર્ણ વિરામ મુકાઈ જવાની શક્યતા

Social Share

ભાવનગરઃ સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર ઘટાડનાર ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ ક્યારે શરૂ હોય અને ક્યારે બંધ હોય તે ખબર જ નથી હોતી. હાલ તો રો-પેક્સ ફેરી સેવા અલ્પવિરામમાં છે, પરંતુ આ ફેરી સર્વિસ પર પૂર્ણવિરામ મુકાઇ જવાની પૂર્ણ શક્યતાઓ છે. કારણ કે, રો-પેક્સ ફેરી સર્વિસના ઓપરેટરોને પરવડતું ન હોવાની બુમ ઊઠી છે. કારણ કે ઈંધણના ભાવમાં વધતા રો-પેક્સ ફેરી સેવાનો ખર્ચ પણ વધી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  જાહેર પરિવહન સેવા સરકારી મદદથી ટકી રહી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ એવા  રેલવે અને હવાઇમાં ઉડાન સ્કીમને ઇંધણમાં સરકારી સબસીડી મળે છે તેના કારણે આવી સેવાઓને સામાન્ય જનતાને પોસાણ થાય તેવા દરથી ઉપલબ્ધ કરાવી શકાય છે. ત્યારે પ્રોજેક્ટ સમાન ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસને સબસીડીયુક્ત ઇંધણ પુરૂ પાડવા માટે સંબંધિત મંત્રાલયને ઓપરેટરો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતા આ વાત ધ્યાને લેવાઇ ન હતી. જહાજમાં ઇંધણ તરીકે વિવિધ પ્રકારના ઓઇલ-ડીઝલ ઉપયોગમાં આવે છે, તે પૈકી VLFSOનો ભાવ જુલાઇ-2021માં રૂ.40 પ્રતિ લિટર હતો તે અત્યારે 88 છે. લો સલ્ફર હાઇ સ્પીડ ડીઝલનો ભાવ 79 હતો તે અત્યારે 124 થઇ ગયો છે. તેની સામે ફેરી સર્વિસનો ઉપયોગ સામાન્ય જનતા કરી રહી હોવાથી અને રેલવે-રોડ પરિવહનની સરખામણીએ પોસાણ થાય તેવા ભાવ રાખવા ઓપરેટરો માટે જરૂરી હોય છે. તેથી ઇંધણના વધેલા ભાવનો વધારો સામાન્ય જનતા પર પરિવર્તિત કરી શકાતો નથી તેમ ફેરી ઓપરેટરોના વર્તુળોમાંથી જાણવા મળ્યુ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઘોઘા-હજીરા વચ્ચે ચાલતુ વોયેજ સીમ્ફની જહાજ 28મી ઓક્ટોબર 2018ના રોજ ઘોઘા-દહેજ વચ્ચે શરૂ કરવામાં આવ્યુ હતુ. અને દહેજમાં ડ્રેજીંગની સમસ્યાઓને કારણે 23મી સપ્ટેમ્બર 2019ના રોજ આ સેવા પર પૂર્ણવિરામ લાગી ગયુ હતુ. આમ માત્ર 11 માસમાં ઘોઘા-દહેજ રૂટ બંધ થઇ ગયો હતો. દહેજ ખાતે ટર્મિનલ, પોન્ટૂન, લિન્ક સ્પાન, બંડ, જેટી, ડ્રેજીંગ પાછળ ખર્ચાયેલા 300 કરોડ દરિયાના પાણીમાં વહી ગયા હતા. વર્ષ 2015માં નિર્મિત વોયેજ સીમ્ફની જહાજ ઓપરેટરો દ્વારા લાવવામાં આવ્યા બાદ હવામાન, શિપ મરામત, અન્ય પરિબળોને કારણે 50 મહિનામાંથી 21 મહિના બંધ રહ્યું હતુ. ફેરી ઓપરેટરો દ્વારા 750 મુસાફરો, 100 ટ્રક, ડીસ્કો થેક, રેસ્ટોરન્ટ, કેબિનો, સ્પોર્ટ્સ એરેના સહિતની સુવિધા વાળુ ફાસ્ટ જહાજ લાવવામાં આવ્યુ છે. આ શિપ ઘોઘા-હજીરાનું 61 નોટિકલ માઇલનું અંતર માત્ર 2 કલાકમાં કાપી શકવા માટે સક્ષમ છે. નવા જહાજની ક્ષમતા પ્રમાણે તેને ઘોઘા અને હજીરામાં ડોલ્ફિન નજીક, ટર્નિંગ સર્કલ, ચેનલમાં 7 મીટરનો ડ્રાફ્ટ આવશ્યક હોય છે. પરંતુ આઠ મહિનાથી શિપ આવીને ઉભુ છે, જરૂરી સવલતો આપવામાં સરકારી તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે.