નવી દિલ્હી, 11 જૂન 2026: દુનિયાભરના દેશોના પાસપોર્ટની તાકાત દર્શાવતો પ્રતિષ્ઠિત ‘હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ’ જૂન મહિના માટે જાહેર કરવામાં આવ્યો છે. આ નવીનતમ વૈશ્વિક રેન્કિંગમાં ફરી એકવાર એશિયાઈ દેશ સિંગાપોરે પોતાનું સર્વોચ્ચ સ્થાન જાળવી રાખીને વિશ્વમાં દબદબો સાબિત કર્યો છે. બીજી તરફ, આ ઇન્ડેક્સમાં ભારતીય પાસપોર્ટ ધારકોને થોડો આંચકો લાગ્યો છે અને ભારતનું સ્થાન અગાઉ કરતાં નીચે સરક્યું છે. પાકિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ થઈ છે અને તેનો પાસપોર્ટ 100ની બહાર ફેંકાઈ ગયો છે.
તાજા ઇન્ડેક્સ અનુસાર, ભારતીય પાસપોર્ટ વૈશ્વિક યાદીમાં 81મા સ્થાને પહોંચી ગયો છે. મહત્વની વાત એ છે કે ગયા મહિને ભારત આ યાદીમાં 78 મા ક્રમે હતું, જે દર્શાવે છે કે જૂન મહિનામાં ભારતને ત્રણ પોઈન્ટનું નુકસાન થયું છે. હવે ભારતીય પાસપોર્ટ ધારકો વિશ્વના 56 દેશોમાં અગાઉથી વિઝા લીધા વિના (વિઝા-ફ્રી અથવા વિઝા ઓન અરાઇવલ) મુસાફરી કરી શકશે. આ યાદીમાં અમેરિકા 10મા સ્થાને અને મલેશિયા ૭મા સ્થાને છે.
ટોપ-૩ માં એશિયાઈ દેશોનો દબદબો
હેનલીના નવા ઇન્ડેક્સમાં સિંગાપોર પ્રથમ ક્રમે છે, જેનો પાસપોર્ટ વિશ્વના 192 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશની સુવિધા આપે છે. જાપાન, દક્ષિણ કોરિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) 188 દેશોમાં વિઝા-ફ્રી એન્ટ્રી સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે છે. જ્યારે સ્વીડન ત્રીજા સ્થાને છે. આ સિવાય બેલ્જિયમ, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, ઈટલી, સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ, ઓસ્ટ્રિયા, ગ્રીસ, માલ્ટા અને પોર્ટુગલ જેવા યુરોપિયન દેશો પણ ટોપ-10 શક્તિશાળી પાસપોર્ટ ધરાવે છે. આ યાદીમાં પાકિસ્તાન 101 મા સ્થાને ધકેલાઈ ગયું છે, જેના પાસપોર્ટ પર માત્ર 30 દેશોમાં જ વિઝા ફ્રી એન્ટ્રી મળે છે. પાકિસ્તાનથી નીચે હવે માત્ર ઈરાક, સીરિયા અને અફઘાનિસ્તાન જેવા દેશો જ બચ્યા છે. સમગ્ર વિશ્વમાં અફઘાનિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળો સાબિત થયો છે, જ્યાંના નાગરિકો માત્ર 23 દેશોમાં જ વિઝા વિના જઈ શકે છે.
ભારતીય પાસપોર્ટ ધારકોને સંપૂર્ણ વિઝા ફ્રી એન્ટ્રી આપતા મુખ્ય દેશોમાં ભૂતાન, બાર્બાડોસ, અંગોલા, કુક આઇલેન્ડ્સ, ડોમિનિકા, ફિજી, ગ્રેનાડા, જમૈકા, કઝાકિસ્તાન, કેન્યા, કિરીબાતી, મકાઓ, મલેશિયા, મોરેશિયસ, માઇક્રોનેશિયા, મોન્ટસેરાત, નેપાળ, ફિલિપાઇન્સ, રવાંડા, સેનેગલ, સેશેલ્સ અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. જ્યારે માલદીવ, ઈન્ડોનેશિયા, અલ્બેનિયા, કંબોડિયા, કોમોરો આઇલેન્ડ્સ, જીબુતી, ઇથોપિયા, જોર્ડન, લાઓસ, મેડાગાસ્કર, માર્શલ આઇલેન્ડ્સ, મંગોલિયા, મોઝામ્બિક, મ્યાનમાર, કતાર, સિએરા લિયોન, શ્રીલંકા અને તાન્ઝાનિયા જેવા દેશો ભારતીયોને ‘વિઝા ઓન અરાઇવલ’ ની સુવિધા આપે છે.
કેવી રીતે નક્કી થાય છે પાસપોર્ટની તાકાત?
કોઈપણ દેશના પાસપોર્ટની તાકાત એ વાત પરથી નક્કી થાય છે કે તેના નાગરિકો અગાઉથી વિઝા મેળવવાની લાંબી પ્રક્રિયા વિના વિશ્વના કેટલા દેશો કે સ્થળોની મુસાફરી કરી શકે છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ વિશ્વના 199 પાસપોર્ટનું 227 પ્રવાસન સ્થળોના સત્તાવાર ડેટાના આધારે મૂલ્યાંકન કરીને આ વાર્ષિક અને માસિક રેન્કિંગ જાહેર કરે છે. ઊંચી રેન્કિંગ એ દેશના નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સરળ પ્રવાસ અને મજબૂત વૈશ્વિક સંબંધો દર્શાવે છે.

