Site icon Revoi.in

વૈશ્વિક સ્તરે ફૂડ પ્રોસેસિંગનું માર્કેટ ખૂબ જ વિશાળઃ જગદીશ વિશ્વકર્મા

Social Share

ગાંધીનગરઃ અમદાવાદ ખાતે આયોજિત કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ પર આંતરરાષ્ટ્રીય B2B અને B2Gની નેટવર્કિંગ મીટમાં ગુજરાતના સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનું આયોજન વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023ના પ્રમોશન સાથે આત્મનિર્ભર ભારતને સહયોગ આપવાના હેતુથી કરાયું હતું.

આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્માએ એ જણાવ્યું હતું કે, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ એ મારા રસનો વિષય છે. ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી ખેડૂતો, કૃષિ ઉદ્યોગ સાહસિકો અને સખી મંડળનાં બહેનો કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ઉમદા કામગીરી કરી રહ્યાં છે, જે સરાહનીય છે, તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ વૈશ્વિક સ્તરે ફૂડ પ્રોસેસિંગની વાત કરતા જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે ફૂડ પ્રોસેસિંગનું માર્કેટ ખૂબ જ વિશાળ છે. આપ સૌ દૂધની બનાવટોનાં પ્રોસેસિંગથી માંડી સારી ગુણવત્તાવાળા શાકભાજી, વનસ્પતિઓ, અને ધાન્યોમાંથી અવનવી ચીજવસ્તુઓ બનાવી વૈશ્વિક સ્તરે વિકસિત કરી શકો છો અને લોકો સમક્ષ રજૂ કરી શકો છો, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે ફૂડ પ્રોસેસિંગની ગુણવત્તાની વાત કરતા જણાવ્યું હતું, આપ જે કંઈ ધાન્યની ખેતી કરો છો કે તેનું રૂપાંતરણ (પ્રોસેસિંગ) કરો છો પરંતુ જ્યારે પણ તેને બજાર સુધી લઈ જાઓ છો, તો તમે જે પણ ખાદ્ય-પદાર્થનું પ્રોસેસિંગ કર્યું છે તેની ગુણવત્તા ખૂબ જ સારી અને ટકાઉ હોવી અનિવાર્ય છે, જો તમારી ચીજ-વસ્તુની ગુણવત્તા સારી હશે તો તમને બજાર સારું મળી રહેશે અને તમારી સંસ્થાનો વિકાસ ખૂબ ઝડપથી થશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ ટ્રિલિયન ડૉલર ઇકોનોમી હાંસલ કરવાનું જે લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે, તેને પરિપૂર્ણ કરવા માટે આવનારા સમયમાં આપ ખેડૂત યુવાન ભાઈ-બહેનોની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા રહેશે. જો આપ સૌ એકજૂથ થઈ ગુણવત્તાસભર ખાદ્ય ચીજવસ્તુઓનું બજારમાં નિર્માણ કરશો તો આપને વૈશ્વિક સ્તરે માર્કેટ મળી રહેશે જેથી દેશનો વિકાસ થશે અને પાંચ ટ્રીલીયન ઇકોનોમીનાં લક્ષ્યાંકને આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીશું. અંતે તેઓએ કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર મહાનુભાવોને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતાં અને તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ તેમની સાથે વાર્તાલાપ કરી કૃષિ ક્ષેત્રે માહિતી મેળવી હતી.