Site icon Revoi.in

ગોંડલના માર્કેટ યાર્ડમાં ધાણાની ધૂમ આવક, 1700 વાહનોની લાઈનો લાગી, આવક બંધ કરાઈ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગોંડલ માર્કેટ યાર્ડ પ્રથમ હરોળનું ગણાય છે. માર્કેટ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી ગામેગામથી ખેડુતો પોતાની કૃષિ ઉપજ વેચવા માટે આવે છે. ખરીફ સીઝનમાં કપાસ, મગફળી અને લસણની ધૂમ આવક બાદ હવે રવિ સીઝનમાં લીલા ધાણાની ધૂમ આવક થઈ રહી છે, અંદાજે દોઢ લાખથી વધુ ગુણી ધાણાની આવકના કારણે શેડ બહાર કે દુકાન પાસે ધાણાનો પાક ઉતારવાની ફરજ પડી રહી છે. જેથી માર્કેટયાર્ડ દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી હતી. કારણ કે યાર્ડમાં માલ મુકવાની જગ્યા જ નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટ જિલ્લો તેમજ સોરઠ પંથકમાંથી ખેડૂતો મબલખ પાક  વેચવા માટે ગોંડલ યાર્ડમાં આવી રહ્યા છે. યાર્ડમાં ડુંગળી બાદ હવે ધાણાની  મબલખ આવક થઈ રહી છે. ગત રાતે માર્કેટિંગ યાર્ડ બહાર આશરે 1700થી  વધુ ધાણા ભરેલા વાહનોની લાઈનો લાગી હતી. હાલ સ્થિતિ એવી છે કે, યાર્ડની બંને તરફ પાંચ થી છ કિલોમીટર લાંબી લાઈનો લાગેલી છે. અનેક જિલ્લાના ખેડૂતો ગઇકાલ રાતથી જ ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે ધાણાનો પાક લઈને પહોંચ્યા હતા.  આ વર્ષે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગત વર્ષની સરખામણીએ ધાણાનો ભાવ ઓછો મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં પણ ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. ગત વર્ષે 20 કિલો ધાણાના ભાવ 1500 થી 3200 ભાવ મળ્યા હતા. જયારે આ વર્ષે ગુણવતા પ્રમાણે ધાણાનો ભાવ 1100 થી લઇ 2200 સુધી બોલાયા હતા. દરમિયાન વેપારીઓના કહેવા મુજબ ગત વર્ષે ધાણાનો પાક ઓછો હતો. જ્યારે આ વખતે ધાણાનો પુષ્કળ પાક થતા ભાવમાં તફાવત મળી રહ્યો છે.. આ વર્ષે ધાણાનું મબલક ઉત્પાદન પણ થયું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર – ગુજરાતમાં પહેલુ સ્થાન ધરાવતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અનેક જિલ્લાના ખેડૂતો અને અન્ય રાજ્યના વેપારીઓ વિવિધ જણસીની ખરીદ-વેચાણ માટે અહીં આવે છે. અહીં યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતે પૂરતી સુવિધા અને સલામતી મળી રહે સાથે સાથે ખેડૂતોને પણ પોસણક્ષમ ભાવો મળી રહે તે માટે હંમેશા તત્પર હોઈ છે. ખેડૂતોના પરસેવા અને તેમની મહેનતની પુરી દરકાર રખાતી હોઈ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડુતો ગોંડલ માર્કેટ યાર્ડમાં આવે છે.

Exit mobile version