Site icon Revoi.in

ગોરખપુરઃ બળાત્કાર કેસના આરોપીની કોર્ટના દરવાજા પાસે પીડિતાના પિતાએ ગોળીમારી કરી હત્યા

Social Share

લખનૌઃ ગોરખપુરની સિવિલ કોર્ટના ગેટ પર સગીર પર બળાત્કાર કરનાર આરોપીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. માર્યા ગયેલા વ્યક્તિનું નામ દિલશાદ હુસૈન જાણવા મળ્યું છે. બિહારના દિલશાદ હુસૈનની હત્યા પીડિતાના પિતાએ કરી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. પોલીસે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, દિલશાદ હુસૈન કોર્ટમાં વકીલને મળવા આવ્યો હતો. આ દરમિયાન તેને કોર્ટના મેન ગેઈટ પાસે ગોળીમારીને તેની હત્યા કરવામાં આવી હતી. આ બનાવ બન્યો ત્યારે પોલીસ કર્મચારીઓ પણ નજીક હતા. ગોળીબારની ઘટનાને પગલે નાસભાગ મચી ગઈ હતી. પોલીસે આ પ્રકરણમાં એક આરોપીની ધરપકડ કરી છે. જે બળાત્કાર પીડિતાના પિતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ દરમિયાન ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની વકીલો સાથે બોલાચાલી પણ થઈ હતી. લોકો ઘટના સમયે હાજર પોલીસકર્મીઓ પર ભાગી ગયાનો આરોપ લગાવી રહ્યા હતા. જ્યારે વકીલો કોર્ટ પરિસરની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવી રહ્યા છે.

ગોરખપુરમાં કોર્ટના મુખ્ય દરવાજા પાસે જ બળાત્કાર કેસના એક આરોપીની ગોળીમારીને હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધવાની કવાયત આરંભી હતી. બીજી તરફ ઘટનાને લઈને તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.