Site icon Revoi.in

સરકારી અને ખાનગી શાળાઓ 7 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાળવાટિકા શરૂ કરી શકશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષે નવી શિક્ષણ નીતિ અંતર્ગત 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. સરકારના આ નિર્ણયનો વાલીઓ દ્વારા વિરોધ ઊઠ્યો હતો. 7 વર્ષમાં એકાદ-બે મહિના બાકી હશે તો પણ તેવા બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં નહીં આવે, આથી હવે સરકારે ખાનગી અને સરકારી શાળાઓને 7 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાળ-વાટિકા શરૂ કરવાની સુચના આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજય સરકારે નવી શિક્ષણનીતિ અંતર્ગત એક મહત્વનો પરિપત્ર ઈસ્યુ કર્યો છે જે અંતર્ગત ધો.1 પૂર્વે બાલવાટિકા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ધો.1માં બાળકોને છ વર્ષની ઉંમરે જ પ્રવેશ આપવાના નિર્ણય બાદ નાની વયના બાળકો માટે બાલવાટિકા શરૂ કરાશે. સરકારી તથા ખાનગી શાળાઓ પોતપોતાના કેમ્પસમાં જ બાલવાટિકા શરૂ કરી શકશે તેમાં પીટીસી પાસ શિક્ષકો રાખવાનું ફરજીયાત રહેશે. સરકાર દ્વારા આ માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. સરકારી, ખાનગી સ્કૂલોએ પોતાના કેમ્પસમાં જ બાલવાટિકા શરૂ કરવાની રહેશે તેમજ ધોરણ 1માં 6 વર્ષ પૂર્ણ થયા બાદ જ પ્રવેશ આપવાનો રહેશે. 5 વર્ષની ઉમંરથી 6 વર્ષ સુધી આપવામાં આવતું શિક્ષણ બાલવાટિકા તરીકે ઓળખાશે તેમજ પ્રાથમિક શાળામાં જ બાલવાટિકા શરૂ કરવામાં આવશે. 1 જૂન 2023ના રોજ 5 વર્ષ પૂર્ણ કરનારા બાળકને બાલવાટિકામાં પ્રવેશ મળશે. તેમજ 1 જૂન 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ પહેલા ધોરણમાં પ્રવેશ મળશે તેમજ બાલવાટિકામાં PTC, ડિપ્લોમા, બીએડ શિક્ષકોની નિમણૂક કરી શકાશે. બાલવાટીકા માટે PTC કરેલા શિક્ષકોને રાખી શકાશે.