Site icon Revoi.in

અમદાવાદમાં વાહન પાર્કિંગ પોલીસીને સરકારની મંજુરી, હવે પોલીસી બનાવીને અમલ કરાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં વાહનો દિનપ્રતિદિન વધતા જાય છે, તેથી વાહનોનો પાર્કિંગના પ્રશ્ને સમસ્યા ઊભી થઈ છે. મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ એક મહિના પહેલાં શહેરની પાર્કિંગ પોલિસીની દરખાસ્તને મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલી આપી હતી. રાજ્ય સરકારે તાબડતોડ પાર્કિંગ પોલિસીને મંજૂરી આપી દીધી છે. શહેરમાં પાર્કિંગ પોલિસી મંજૂર થતાની સાથે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની જવાબદારી વધી ગઇ છે. અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓ, પોલીસ અને આરટીઓના અધિકારીઓ ભેગા મળીને એક અલાયદો પાર્કિંગ સેલ બનાવવામાં આવશે. આ પાર્કિંગ સેલ દ્વારા શહેરમાં પાર્કિંગ ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવશે. સૌથી મહત્ત્વનું એ છે કે, અમદાવાદ શહેરમાં હાઇટેન્શન વીજ લાઇનવાળા, ઓકવર્ડ, ડેવલપમેન્ટ મળવાપાત્ર ન હોય તેવા અને નાના ક્ષેત્રફળના પ્લોટમાં પાર્કિંગની સુવિધા વધારવાનું આયોજન છે. જેમાં આવા ઓકવર્ડ પ્લોટ મ્યુનિ. તંત્ર ખરીદી લેશે જેના બદલામાં જમીનમાલિકોને પૈસા નહીં પણ TDR (ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઇટ્સ) આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં વધતી પાર્કિંગની સમસ્યાને નિવારવા માટે નવી પાર્કિંગ પોલિસી 2021 બનાવી છે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તા.24 એપ્રિલ 2021ના રોજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની પાર્કિંગ પોલિસીનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અંગે વર્તમાનપત્રોમાં જાહેર ખબર આપવામાં આવી હતી સાથે પાર્કિંગ પોલીસનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. મ્યુનિ. કમિશનર દ્વારા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 460 હેઠળ જનતાના વાંધા સૂચનો મેળવવા માટે પાર્કિંગ પોલિસીની દરખાસ્તનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. એક મહિનાની મુદતમાં નાગરિકોએ પોતાના વાંધા કે સૂચનો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સમક્ષ રજૂ કરવાના હતા પણ આ મુદતમાં એકપણ નાગરિક દ્વારા વાંધા સૂચનો આપવામાં આવ્યા ન હતા પણ માત્ર બે સંસ્થાઓ દ્વારા પોતાના વાંધા સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. ગત સપ્ટેમ્બર મહિનામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વાંધા સૂચનો ફગાવીને પાર્કિંગ પોલિસીના ડ્રાફ્ટને મંજૂરી આપવામાં આવી હતી.  સ્ટેન્ડિંગ કમિટીએ પાર્કિંગ પોલિસીના ક્લાઝ નંબર 5.6.10 નંબરના ક્લોઝને રદ કરી દીધો હતો જેમાં શહેરીજનોએ વાહન ખરીદી કરતાં પહેલાં પાર્કિંગનું પ્રૂફ આપવું ફરજિયાત કરવાની જોગવાઇ હતી પણ સ્ટેન્ડિંગ કમિટીએ આ ક્લોઝને રદ કરી દીધો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીએ પાર્કિંગ પોલિસીનો ડ્રાફ્ટ રાજ્ય સરકારને મોકલી આપ્યો હતો. રાજ્ય સરકારે 16મી ઓક્ટોબરના દિવસે પાર્કિંગ પોલિસીને મંજૂરી આપી દીધી હતી. આ અંગે અમદાવાદ મ્યુનિ.ના એક અધિકારીએ જણાવ્યું હતું કે  રાજ્ય સરકારે પાર્કિંગ પોલિસીને મંજૂરી આપી દીધી છે. જેથી અમદાવાદ શહેરમાં પાર્કિંગ પોલિસી અમલી બનાવવામાં આવશે જેના માટે પ્રથમ પાર્કિંગ બાયલોઝ બનાવવામાં આવશે. પાર્કિંગની જોગવાઇઓના ઉલ્લઘંન બદલ દંડ કરવાની જોગવાઇ કરવામાં આવશે. આ પાર્કિંગનો દંડ કોણ વસૂલી શકે તેની ચોખવટ કરવામાં આવશે. આ સિવાય શહેરમાં પાર્કિંગની સ્થિતિ અંગે અને ભાવિ જરૂરિયાત અંગે એજન્સી નીમીને સરવે કરવામાં આવશે. આ સરવેના આધારે પાર્કિંગ પોલિસીની અમલવારીના વિસ્તાર પ્રમાણે તબક્કા નક્કી કરી શકાશે. ઉપરાંત ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે પાર્કિંગ પોલિસી અંતર્ગત પાર્કિંગ સેલ ઉભો કરાશે જેમાં અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓ, પોલીસ અને આરટીઓ સહિતના અધિકારીઓ હશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં પાર્કિંગ પોલિસીની અમલવારી માટે અલાયદુ મહેકમ ઉભુ કરવું પડશે. પાર્કિંગ પોલિસીમાં ઓનસ્ટ્રીટ પાર્કિંગ ડેવલપ કરવા અને નવા પાર્કિંગ પ્લોટ ડેવલપ કરવા માટે બજેટની ફાળવણી કરવી પડશે. શહેરના ગીચ કે અન્ય વિસ્તારોમાં વધુમાં વધુ પ્લોટ પાર્કિંગ માટે મળે તે માટે પ્રોત્સાહક યોજના અમલી બનશે જેમાં ઓકવર્ડ કે બાંધકામ ન મળી શકે તેવા ખાનગી પ્લોટ મ્યુનિ. દ્વારા ટીડીઆર આપીને ખરીદી લેવાશે. જ્યાં પાર્કિંગનો વિકાસ કરવામાં આવશે.