Site icon Revoi.in

ધોળાવીરા પંથકના હસ્તકલાના વ્યવસાયને ટકાવવા માટે સરકાર દ્વારા પ્રોત્સાહન મળે તે જરૂરી

Social Share

ભૂજ :  કચ્છમાં આવેલા ખડીર વિસ્તારના ધોળાવીરાની ધરોહરને વૈશ્વિક ફલક પર સ્થાન મળતાં હવે ધોળાવીરા પંથકના વિવિધ ક્ષેત્રના કારીગરોને રોજીરોટી મળી રહે તે માટે આશા બંધાઇ છે. ધોળાવીરા ખાતે ખાસ કરીને ચર્મકામ અહીં સારી રીતે થતું હતું. ભૂતકાળમાં સરકાર દ્વારા પ્રોત્સાહન અપાયું હતું અને કારીગરોને વિવિધ ઓજારો અને વેચાણ માટે પ્રોત્સાહન આપવામાં આવતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીંના કારીગરોનો માલ-સામાન કોઇ ખરીદનાર ન હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને મેઘવાળ જ્ઞાતિની બહેનોનું મેઘવાળ ભરત ખૂબ જ પ્રખ્યાત છે. ઉપરાંત ધડકી માટેનું પેચવર્ક પણ બહેનો આજેય પણ કરે છે, પરંતુ ગ્રાહકો ન હોવાથી આ વિસ્તારના હસ્તકળા ઉદ્યોગને પ્રોત્સાહન મળતું નથી. સરકાર દ્વારા સ્તાનિક હસ્તકળાની ચીજ-વસ્તુઓ વેચવા માટે ધોળાવીરામાં સ્ટોલ ઊભા કરે તે સ્થાનિક લોકોને રોજગારી મળી શકે તેમ છે.

ધોળાવીરા પંથકમાં ભરતકામ અને ચર્મ કલાકારીગીરીની ચિજ-વસ્તુઓ બનાવવા કારીગરો ઘેરબેઠા કામ કરે છે. પૂરતો વેપાર ન થતાં અને નકલી વસ્તુઓની બોલબાલાના કારણે હસ્તકલાને ઠેસ પહોંચતાં આવા કારીગરો રોજીરોટી માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હસ્તકલા માટે કાર્યરત સ્વયંસેવી સંસ્થાઓ પણ લુપ્ત થતી કલા અને સ્થાનિકોની રોજી માટે વામણી પુરવાર થતી હોય તેવી ફરિયાદ ઊઠી હતી.પરંપરાગત ચર્મકામનો વ્યવસાય કરતા ધોળાવીરાનાં કેટલાક કારીગરો ચામડામાંથી ચંપલ, બેલ્ટ, પર્સ, પાકીટ, થેલા વગેરે ઉપરાંત બીજી નાની-મોટી આઇટમો બનાવે છે, પરંતુ સ્થાનિક માંગ ન હોવાને લીધે રોકાણ કરી રાખવું પડે છે. આથી જો જાહેર સ્થળ પર ધોળાવીરાના માર્ગે કોઇ જગ્યાએ હસ્તકલાના વેચાણ માટે માર્કેટ ઊભું કરવામાં આવે તો કારીગરોને પ્રોત્સાહન મળે અને પરંપરાગત હસ્તકલા જળવાઇ રહે. અહીંની બહેનો કપડામાંથી ઢીંગલી, રમકડાં વગેરે આકર્ષક ભેટ આઇટમો બનાવે છે. પરંતુ તેને માટે વેચાણ તો માત્ર કોઇ ઘરે આવે ને ખરીદી કરે તો થાય, અન્યથા રાહ જોઇને રહેવું પડે. હવે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળતાં આવા કારીગરો માટે તાત્કાલિક ધોરણે કોઇ સંબંધિત તંત્ર યોગ્ય આયોજન ઘડી કાઢે તે જરૂરી છે.