Site icon Revoi.in

ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને ઈલે. વાહનો ખરીદવા અપાતી 12 હજારની સબસિડી બંધ કરી

Social Share

ગાંધીનગરઃ વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા રાજ્ય સરકાર દ્વારા અપાતી 12 હજારની સબસીડી બંધ કરી દેવામાં આવી હોવાનું કહેવાય છે. જેથી બોર્ડની પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને મોંઘાં ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવાં પડશે. બીજી તરફ કોમર્શિયલ ઇ-વ્હીકલ માટે કેન્દ્ર દ્વારા અપાતી સબસીડી ચાલુ છે. કેન્દ્ર સરકાર ઇ-વ્હીકલ માટે પ્રોત્સાહક યોજના કાઢી રહી છે, બીજી તરફ રાજ્ય સરકારે ગ્રાન્ટના બહાને વિદ્યાર્થીઓને મળતી સબસીડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે શાળા-કોલેજના વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રિક બાઈક કે સ્કુટર ખરીદવા માટે આપાતી રૂપિયા 12 હજારની સબસિડી બંધ કરી દીધી છે. હવે આ સબસીડી ફરી ક્યારે ચાલુ થશે તે અંગે જાહેરાત કરાઈ નથી. વિદ્યાર્થી માટેનાં જ વાહનો પર સબસીડી કેમ બંધ કરાઈ તે અંગે શોરૂમ સંચાલકોને પણ સરકાર દ્વારા માહિતી અપાઈ નથી. ઉલ્લેખનીય છે કે, લો સ્પીડનાં એટલે કે 25ની સ્પીડ પર ચાલતાં ટુ વ્હીલરની કિંમત 70 હજાર હોય છે. શહેરમાં દર મહિને 200 જેટલાં ટુ વ્હીલર વેચાતાં હોવાનો અંદાજ છે. ત્યારે સરકારે  સબસીડીની યોજના એકાએક બંધ કરવાની જાહેરાત કરી છે.ગ્રાન્ટની રકમ આવતાં સબસીડી ફરી શરૂ થઈ શકે છે. જોકે ફરી વખત સબસીડી ક્યારથી ચાલુ થશે તે જણાવ્યું ન હોવાથી રાજ્યના તમામ શોરૂમ સંચાલકો અસમંજસમાં છે.

અમદાવાદ સહિત મહાનગરોમાં પ્રદુષણ વધતુ જાય છે. ત્યારે નવી યુવા પેઢી ઈલેક્ટ્રિક વાહનો તરફ વળે તે માટે શાળા-કોલેજ કક્ષાએ જ વિદ્યાર્થીઓ ઈલે. બાઈક કે સ્કુટર ચલાવતા થાય તે જરૂરી છે. પણ સરકારે ઈલે. વાહન માટે અપાતી સબસિટી બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી ઊભી થઈ છે.