અમદાવાદઃ ગુજરાતમાં સરકારી ઈજનેરી અને પોલીટેકનિક કોલેજોના અધ્યાપકો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા કેટલાક મહિનાઓથી આંદોલન કરી રહ્યા છે. પ્રશ્નોના ઉકેલ માટે સરકારને અનેકવાર રજુઆતો કરવા છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી.
ઈજનેરી કોલેજ અધ્યાપક મંડળના જણાવ્યા મુજબ સરકારના કોઈપણ વિભાગમાં કોઈ કર્મચારી/અધિકારી જોડાયાના અમુક વર્ષો બાદ તેઓને ઉચ્ચતર પગાર ધોરણ અથવા બઢતી નિયમાનુસાર અને સમયસર મળી જતી હોય છે, જ્યારે સરકારી ઇજનેરી કોલેજના તેમજ પોલિટેકનિકના અધ્યાપકો ઉચ્ચતર પગાર ધોરણનો લાભ છેલ્લા 8 વર્ષથી અપાયો નથી. ધણાં અધ્યાપકો તો 12 વર્ષ પહેલાં જે પગાર ધોરણમાં નોકરીમાં જોડાયા હતા તે જ પગારમાં હજુ પણ સેવા આપી રહ્યા છે. AICTE દિલ્હી દ્વારા માર્ચ 2019માં 7મા પગારપંચ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ માર્ચ, 2020માં રાજ્ય સરકારે 7મા પગાર પંચનો સૈદ્ધાંતિક સ્વીકાર કરી પરિપત્ર બહાર પાડ્યો હતો. AICTE નોટિફિકેશને પણ 4 વર્ષથી વધુ સમય વીતી જવા છતાં પણ CAS (કૅરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) અંગેના ધારાધોરણ નક્કી કરાયા નથી. જેને પરિણામે રાજ્યની સરકારી ઇજનેરી કોલેજો તેમજ પોલિટેકનિકના આશરે 4000 અધ્યાપકો છેલ્લા 12 વર્ષથી એક જ પગાર ધોરણમાં ફરજ બજાવી રહ્યા છે.
સરકારી ઈજનેરી કોલેજો અને પોલીટેકનિક કોલેજોના અધ્યાપકો મહિનાઓથી આંદોલન કરી રહ્યા છે. ઉચ્ચતર પગાર ધોરણ માટે લેખિતમાં રજૂઆત કરી, સંબંધિત મંત્રીઓનો સમય માંગી રૂબરૂ મુલાકાત કરી, મુદ્દાસર વિસ્તારપૂર્વક રજૂઆત કરી તેમ છતાં પણ આજ દિન સુધી CAS અંગે કોઈ ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો નથી. મહિનાઓ અને વર્ષો સુધી રાહ જોવા છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતાં રાજ્યની તમામ સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકો સપ્ટેમ્બર,2023થી ગાંધીચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમો આપી રહ્યા છે.

