અમદાવાદઃ સાબરમતી નદીમાં પ્રદુષણને મામલે ગુજરાત હાઈકોર્ટમાં કેટલાક વખતથી સુનાવણી ચાલી રહી છે. સાબરમતી નદી પ્રદૂષણ મામલે હાથ ધરાયેલી સુનાવણીમાં ફરી એકવાર હાઈકોર્ટે પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે ટકોર કરી કે, ‘કોઈ અરજદાર હાઇકોર્ટમાં આવીને કહે કે મારું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે, જેથી હવે બધાનું કનેક્શન કાપી નાખો એ પ્રકારનું વલણ ચલાવી લેવામાં નહીં આવે. કોર્ટે આ પ્રદુષણ મામલે અગાઉ ઘણાય આદેશ કર્યા છે. જેથી હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી છે, કે તેના આધારે રાજ્યભરમાં પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરે.
ગુજરાત હાઇકોર્ટમાં સાબરમતી નદી પ્રદૂષણ મામલે સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં એક ઔદ્યોગિક એક દ્વારા અરજી કરવામાં આવી છે, કે જે પ્રમાણે અમદાવાદમાં ઔધોગિક એકમો સામે કાર્યવાહી થઈ છે, તે જ પ્રમાણે રાજ્યભરમાં પ્રદૂષણ ફેલાવતા એકમોના કનેક્શન આપવામાં આવે. જેથી જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે એકમના આ પ્રકારના વલણ સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે, ‘કોઈ અરજદાર આવીને હાઇકોર્ટને કહે મારું કનેક્શન કાપી નાંખવામાં આવ્યું છે. એટલે બધાના કનેક્શન કાપો, તે પ્રકારનું વલણ ન ચલાવી લેવાય. સાબરમતી નદી પ્રદૂષણ મામલે કોર્ટે ઘણાય ઓર્ડર કર્યા છે, હજારો કાગળના ઓર્ડર છે, જેના આધારે હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે રાજ્યભરમાં અમલ કરવાની જવાબદારી છે.
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટ મિત્રે એક મોટો ખુલાસો પણ કર્યો છે કે સાબરમતી નદીમાં વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનોમાં પણ ઇન્ડસ્ટ્રીના ઔધોગિક પાણી છોડી રહ્યા છે. જેના કારણે પણ નદીમાં પ્રદુષણ વધ્યું છે. જોઇન્ટ ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે, અમદાવાદના 10માંથી 5 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યક્ષમતા સુધરી છે. હજુ પણ 5 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિર્દિષ્ટ ધોરણો પ્રમાણે કાર્યરત નથી. નદીમાં છોડાતાં ગંદા પાણી અને ગટરના પાણીમાં પ્રદૂષિતતાનું પ્રમાણ વધ્યું છે. આ સુનાવણીમાં ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશને પણ દૂષિત પાણી સાબરમતીમાં છોડતી સોસાયટી સામે કાર્યવાહી કરવા માટે નિવેદન આપ્યું છે.