Site icon Revoi.in

ગુજરાતમાં ગ્રાન્ટેડ સ્કૂલ સંચાલકો, શિક્ષકો, અને કર્મચારીઓ સોમવારથી આંદોલનના માર્ગે

Social Share

અમદાવાદઃ રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં પડતર પ્રશ્નોને લઇને સંચાલકોએ શિક્ષણ વિભાગને અનેક રજુઆતો કર્યા છતાયે સરકાર પ્રશ્નો ઉકેલવામાં ઉદાસિન રહી છે. શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થયાને 45 દિવસ વિતી ગયા છતાંયે શિક્ષકોની ખાલી જગ્યાઓ પુરવામાં આવી નથી. ઘણી બધી શાળાઓમાં આચોર્યોની જગ્યાઓ ખાલી છે. શિક્ષણ વિભાગ દ્વારા નાની નાની બાબતોમાં પણ શાળાઓની ગ્રાન્ટ કાપી લેવામાં આવે છે. સરકારને અનેક રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ના મળતા હવે સંચાલક મંડળ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. 20 જુલાઈએ જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું, હવે 24 જુલાઈએ કાળીપટ્ટી બાંધી શિક્ષકો અને કર્મચારીઓ વિરોધ કરશે. ત્યારબાદ ધારાસભ્ય અને સાંસદ સભ્યોને રજૂઆત કરશે.આમ સોમવારથી આંદોલનના શ્રીગણેશ કરાશે.

ગુજરાતની ગ્રાન્ટેડ સ્કૂલો ઓક્સિજન પર ચાલી રહી છે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની અછત, બિન શૈક્ષણિક કર્મચારીઓની અછત, ગ્રાન્ટ નીતિ સહિતના મુખ્ય પ્રશ્નો છે. આ તમામ પ્રશ્નોને લઈને સરકારને અનેક રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા માત્ર આશ્વાસન જ આપવામાં આવી રહ્યું છે. જેથી હવે સંચાલકો પણ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે.

ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના સૂત્રોના જણાવ્યા મુજબ શાળા સંચાલકોએ પ્રશ્નો ન ઉકેલાતા  સરકાર સામે આંદોલન કરવાનું નક્કી કર્યું છે. ગત તા. 20 જુલાઈએ કલેકટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી. આ ઉપરાંત 24 જુલાઈએ કાળીપટ્ટી ધારણ કરીને શિક્ષકો અને કર્મચારીઓ વિરોધ નોંધાવશે. 29મી જુલાઈએ ધારાસભ્ય અને સાંસદ સભ્યોને આવેદનપત્ર આપવા આવશે. આ ઉપરાંત યુ -ડાયસ, આધાર ડાયસ, ઓનલાઇન એન્ટ્રી જેવી કામગીરી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ તબક્કાવાર આંદોલન કરવામાં આવશે.