Site icon Revoi.in

ગ્રીસ: જંગલોમાં વિનાશકારી આગનું જોખમ, અનેક વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર

Social Share

નવી દિલ્હીઃ ગ્રીસ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ગ્રીસના અનેક વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તીવ્ર ઉચ્ચ તાપમાન અને ભારે પવનને કારણે જંગલોમાં અત્યંત વિનાશકારી આગ લાગવાનું જોખમ છે. ગ્રીસ હાલમાં સૌથી વધુ ગરમીનો સામનો કરી રહ્યું છે, આ ગરમીનું સ્તર 50 વર્ષના ઉચ્ચ સ્તર પર પહોંચી શકે છે. ગ્રીસના અનેક વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવાની સાથે લોકોને સતર્ક રહેવા માટે તાકીદ કરી છે.

ગ્રીસમાં એથેંસની આસપાસના દક્ષિણ વિસ્તારમાં ગંભીર આગ લાગવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. અગાઉ જળવાયુ સંકટ અને નાગરિક સુરક્ષા મંત્રી વાસિલિસ કિકિલિયાસે મીડિયાને જણાવ્યું હતું કે, મોટાભાગે આગ માનવનિર્મિત છે, જે અપરાધિક ઈરાદાથી લગાવવામાં આવી હતી.

ગ્લોબલ વોર્મિંગ અને માનવ નિર્મિત કારણોની સાથે સાથે ભારે પવનને કારણે ગ્રીકવાસીઓ આ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ગ્રીસની રાજધાનીમાં તાપમાનમાં વધારો થયો છે, જે 40 ડિગ્રી સુધી રહી શકે છે. સપ્તાહના અંત સુધીમાં આગની દુર્ઘટનામાં વધારો થતા હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એલેક્ઝેંડ્રોપોલી પાસે સૌથી ભીષણ આગ લાગી છે, આ શહેર તુર્કીને અડીને આવેલ ઉત્તરપૂર્વીય સીમાની નજીક આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દુનિયાના અનેક દેશો હાલ ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યાં છે. ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયાના અનેક દેશોમાં હાલ આકરી ગરમી પડી રહી છે. જ્યારે ભારત સહિતના કેટલાક દેશોમાં ભારે વરસાદની સ્થિતિ ઉભી થઈ છે.