Site icon Revoi.in

અમદાવાદમાં લીલા શાકભાજીના ભાવમાં વધારો, ચોળી, આદુ, વાલોર, અને ગવારના સૌથી વધુ ભાવ

Social Share

અમદાવાદઃ શહેરમાં ફાગણ મહિનાના પ્રારંભથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. શહેરના એપીએમસી માર્કેટમાં ઉનાળુ શાકભાજીની આવકમાં ખાસ ઘટાડો જોવા મળતો નથી. પરંતુ યાર્ડમાં આદુ અને ચોળી, વાલોર અને ગુવારના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે મરચાં, લીંબુ, તુવેર, વટાણા અને કારેલાના ભાવ યથાવત જોવા મળી રહ્યા છે. શાકભાજીના જથ્થાબંધ વેપારીઓના કહેવા મુજબ  એક અઠવાડિયા પહેલાના અને હાલના શાકભાજીના ભાવમાં 10 થી 15 ટકાની વધઘટ જોવા મળી રહી છે. હજી જેમ જેમ ઉનાળાની ગરમી વધતી જશે તેમ તેમ માર્કેટમાં અન્ય શાકભાજીના ભાવ વધવાની શક્યતા છે.

યાર્ડના સૂત્રોના કહેવા મુજબ અમદાવાદના એપીએમસી માર્કેટમાં ચોળી 110 રૂપિયા પ્રતિ કિલો, આદુ 120 રૂપિયા પ્રતિ કિલો, વાલોર 55 રૂપિયા પ્રતિ કિલો, મરચા 60 રૂપિયા પ્રતિ કિલો, લીંબુ 90 રૂપિયા પ્રતિ કિલો, તુવેર 55 રૂપિયા પ્રતિ કિલો, ગવાર 90 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો હતા. જ્યારે વટાણા, ભીંડા અને કારેલા 50 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો છે. જો કે છૂટક માર્કેટમાં વધુ ભાવે શાકભાજી વેચાય રહી છે.

અઠવાડિયા પહેલા શાકભાજીના ભાવની વાત કરીએ તો ચોળી 110 રૂપિયા પ્રતિ કિલો, આદુ 115 રૂપિયા પ્રતિ કિલો, મરચા 70 રૂપિયા પ્રતિ કિલો, લીંબુ 130 રૂપિયા પ્રતિ કિલોના ભાવ હતા. એટલે ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. માર્કેટ યાર્ડમાં તુવેર 60 રૂપિયા પ્રતિ કિલો, ગવાર 85 રૂપિયા પ્રતિ કિલો, ભીંડા 50 રૂપિયા પ્રતિ કિલો અને કરેલા 65 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો હતો. જ્યારે વટાણા 45 રૂપિયા પ્રતિ કિલો અને વાલોર 45 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો હતો, હજુ ગરમી વધશે તેમ શાકભાજીના ભાવમાં વધારો થશે.