Site icon Revoi.in

ગુજરાત: અમદાવાદના રખિયાલમાં લાકડાના ગોડાઉનમાં ભિષણ આગ, મોટી દૂર્ઘટના ટળી

Social Share

અમદાવાદઃ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ આગની ઘટનાઓને સફાળુ જાગેલુ તંત્રએ ફાયર એનઓસી મુદ્દે કવાયત શરૂ કરી છે. દરમિયાન આજે સોમવારે રખિયાલમાં લાકડાના એક ગોડાઉનમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. જો કે, સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આગનું કારણ તપાસવા ફાયરબ્રિગેડે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના રખિયાલમાં ઓઢવની ચાલી પાસે લાકડાના એક ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગના ધુમાડાના ગોડે ગોડા દુર દુર દેખાતા લોકોમાં ભય ફેલાયો હતો. આગની આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો સ્થળ ઉપર દોડી ગયા હતા અને પોતાની રીતે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ફાયરબ્રિગેડને સરળતા રહે તે માટે ટોળાને દૂર કરવા કવાયત શરૂ કરી હતી. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.