અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસારને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી છે, દરમિયાન કોંગ્રેસમાંથી ચાર સિનિયર નેતાઓ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરવાની ઈચ્છા હાઈકમાન્ડ સમક્ષ વ્યક્ત કરી હતી. જો કે, આ ચારેય નેતાઓ કોંગ્રેસના પ્રચાર-પ્રસારની જવાબદારી નિભાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસે પ્રચાર-પ્રસારની જવાબદારી સિનિયર નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતને સોંપી છે. અશોક ગહેલોતના માર્ગદર્શન હેઠળ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તથા અન્ય સિનિયર નેતાઓ દ્વારા પ્રચાર શરૂ કર્યો છે. વિવિધ મુદ્દા ઉપર રાજ્યની ભાજપ સરકારને ઘેરવાની રણનિતી તૈયાર કરી છે. હાલ કોંગ્રેસમાં પ્રચાર-પ્રસારની સાથે ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત શરૂ કરી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરવાનો નિર્ણય લીધો છે. જોકે આ તમામ નેતાઓ પ્રચારની કમાન સંભાળશે.
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા આ વખતે યુવા અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતાઓની પસંદગી માટે કવાયત આરંભી છે. હાલ કોંગ્રેસ દ્વારા તમામ બેઠકો ઉપર ઉમેદવારની પસંદગીને લઈને સેન્સ લેવામાં આવી રહી છે. આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રથમ યાદી જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. 25 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસે આ ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવા માટે રણનીતિ તૈયાર કરી છે. કોંગ્રેસ દ્વારા સીએમ પદના ઉમેદવારની જાહેરાતને લઈને પણ અટકળો ચાલી રહી છે.