Site icon Revoi.in

CBSE બાદ ગુજરાત બોર્ડે પણ ધોરણ 12ની પરીક્ષા રદ કરીઃ વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે અવઢવ ભરી સ્થિતિ

Social Share

ગાંધીનગરઃ કોરોનાએ સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને કરી છે. ગુજરાત સરકારે ધોરણ 12ની પરીક્ષાનું સમયપત્રક પણ જાહેર કરી દીધુ હતું. અને તા. 1લી જુલાઈથી પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી હતી.પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું હતુ. કેમ કે ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.

CBSEની પરીક્ષા અંગેના નિર્ણય બાદ ગઈકાલે મોડી રાત સુધી મુખ્યપ્રધાન, શિક્ષણપ્રધાન, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી. અને CBSEની પરીક્ષા રદ થયા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12ની પરીક્ષા અંગેની ફેર વિચારણા કરવી કે કેમ તે મામલે સતત મનોમંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે રાજ્યપ્રધાન મંડળની બેઠકમાં ગુજરાતમાં પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા મંગળવારે સાંજે ઉતાવળમાં CBSEની પરીક્ષાના નિર્ણયની રાહ જોયા વિના જ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું હતું. આ ટાઈમ ટેબલ જાહેર થયાના બે કલાક બાદ કેન્દ્ર સરકારે CBSEની પરીક્ષા રદ કરતા સૌ કોઈના મનમાં એક જ સવાલ હતો કે હવે ગુજરાત બોર્ડની પરીક્ષાનું શું થશે? ત્યારબાદ આજે અઢી કલાકની કેબિનેટની બેઠક બાદ અંગે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડમાં આ મામલે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. હવે સીબીએસઈ જે રીતે નિર્ણય કરશે તેને ગુજરાત બોર્ડ અનુસરશે. જોકે પરીક્ષા રદ કરાતા તેજસ્વી વિદ્યાર્થીઓને નુકશાન જવાની ભીતી કેટલાક વાલીઓ છે. ઈજનેરી, તબીબી વિદ્યાશાખાઓમાં કઈ રીતે પ્રવેશ અપાશે તે મોટો પ્રશ્ન છે. તેમજ ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જવા માગતા હોય તેમને પણ નુકશાન જશે એવું કેટલાક વાલીઓ કહી રહ્યા છે.

Exit mobile version