Site icon Revoi.in

ગુજરાત કોંગ્રેસ દ્વારા 75માં ગણતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

Social Share

અમદાવાદઃ દેશના રાષ્ટ્રિય પર્વ 75માં ગણતંત્રદિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા,રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભારતમાં સર્વશ્રેષ્ઠ બંધારણ-સંવિધાનને કારણે ભારતનું લોકતંત્ર ટકી રહ્યું છે.યુવાનો, વેપારી, ખેડૂત સહિતના લોકો આજે આઝાદ નથી, છેલ્લા ઘણા સમયથી સત્તામાં બેઠેલાં લોકોની નિતિ – પધ્ધતિ જન વિરોધી છે. પ્રજાસત્તાક એટલે પ્રજાના હાથમાં રોજગાર, નોકરીની તકો, આરોગ્ય સુવિધા, શિક્ષણની વ્યવસ્થા વગેરે જેવી પાયાની સુવિધાઓ મળતી હોય તેમ જણાતુ નથી.

તેમણે કહ્યું હતું કે, પુજ્ય મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દેશમાં આઝાદી માટેનું જનઆંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આઝાદી બાદ ભારત દેશને દુનિયાનું સૌથી સર્વશ્રેષ્ઠ બંધારણ આપવા માટે 284  જેટલા તજજ્ઞોએ રાતદિવસ મહેનત કરીને વિવિધતામાં એકતા, સર્વોદયની વિભાવનાને સાર્થક કરતું બંધારણ દેશને આપ્યું. 29 ભાષા,1600 થી વધુ બોલીઓ, ધર્મ-જ્ઞાતિ-જાતિ-રંગ અને પરંપરામાં વિવિધતા એ ભારત દેશની મુડી છે. સર્વ ભારતીયોને જોડતા બંધારણને લાગુ કરવાની તારીખ આઝાદી મળતા પહેલા 1929માં કોંગ્રેસની મહાસભામાં સ્વતંત્ર સેનાનીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. 1948માં આઝાદી મળ્યા બાદ 26મી જાન્યુઆરી 1950માં આ બંધારણ લાગુ કરાયુ હતું, જે આપણા સૌ માટે ગૌરવપૂર્ણ બાબત છે.

તેમણે વધુમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચાર સ્પષ્ટ હતા. જો સત્તામાં બેઠેલા લોકો ખોટા હશે તો ગમે તેટલુ સારૂ બંધારણ પણ કામ લાગશે નહી. દેશના બંધારણ અને સરકારના માલીક પ્રજા છે, પરંતુ આજે પ્રજા માલીક હોય તેવું દેખાતુ નથી. હાલના શાસકો બંધારણમાં છેડછાડ કરી રહ્યાં છે જે દેશ માટે ચિંતાનો વિષય છે.

અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે ગણતંત્ર દિન નિમિત્તે યોજાયેલ ધ્વજવંદનના કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ, રાજ્યસભા સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નેતા શહેઝાદખાન પઠાણ, સહિત મોટી સંખ્યામાં પ્રદેશ-શહેરના પદાધિકારીઓ, દરેક ફ્રન્ટલ સેલના આગેવાનો કાર્યકરો જોડાયા હતા અને ધ્વજવંદનના કાર્યક્રમમાં સેવાદળના કાર્યકારી અધ્યક્ષ કિરણ પ્રજાપતિએ કાર્યકર્તાઓ-આગેવાનોને રાષ્ટ્રધ્વજને સલામી અપાવી હતી.