Site icon Revoi.in

ગુજરાત ચૂંટણીઃ પ્રચાર-પ્રસારમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, વિવિધ રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં ધામા નાખીને વેગવંતો પ્રચાર કરી રહ્યાં છે, એટલું જ નહીં રાજકીય પક્ષો રૂબરૂની સાથે સોશિયલ મીડિયા મારફતે પણ મતદારો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યાં છે. જેના કારણે સોશિયલ મીડિયાના વપરાશમાં પણ વધારો થયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ભાજપના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલની કામગીરીમાં એક સપ્તાહમાં જ 72 ટકા જેટલો વધારો થયો છે. જ્યારે રવિવારના દિવસે સૌથી વધારે પોસ્ટ કરવામાં આવી હતી. ફેસબુક ઉપર રવિવારના દિવસે પીએમ મોદીના જ એક-બે નહીં 36 જેટલા ભાષણો શેયર કરવામાં આવ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તા. 1લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બર એમ બે તબક્કામાં યોજાવાની છે, પ્રથમ તબક્કાના મતદાન માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. જેથી મતદારો સુધી પહોંચવા માટે રાજકીય પક્ષો વિશાળ સભાઓ-રેલીઓની સાથે સાથે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહ્યાં છે. બધા પક્ષો ત્રણ મુખ્ય સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ટવીટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ઉપયોગ યુવાઓને આકર્ષવા કરી રહ્યાં છે. મોટા ભાગના સ્થાનિક નેતાઓ રાષ્ટ્રીય નેતાઓ અથવા પક્ષના ટવીટને રીટવીટ કરી રહ્યાં છે. ટવીટર પર ભાજપા ગત વર્ષોમાં તેણે કરેલા વિકાસના કામના આંકડાઓ દર્શાવવા પર ધ્યાન આપી રહી છે, કોંગ્રેસ ભ્રષ્ટ્રાચારના આક્ષેપો કરી રહી છે અને મોંઘવારી પર ધ્યાન આપી રહી છે જયારે આપ બદલાવની જરૂરિયાત પર ભાર મૂકે છે.