Site icon Revoi.in

ગુજરાત સરકારને સી-પ્લેનનો મોહ છૂટતો નથી, કરોડોના આંધણ પછી હવે ફરીવાર ટેન્ડર મંગાવાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીના રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી.. પરંતુ સી-પ્લેનને વારંવાર મરામત માટે મોકલાતું હતું તેથી અનિયમિત સેવા તેમજ પુરતા પ્રવાસીઓ ન મળવાને કારણે સી-પ્લેન સેવાનું બાળમરણ થયું હતું. ગુજરાત સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ સી-પ્લેન સેવા કાર્યરત રહી શકી નહતી. સરકારે સી-પ્લેન સેવા પુનઃ કાર્યરત કરવા અગાઉ ટેન્ડરો પણ જારી કર્યા હતા. પરંતુ કહેવાય છે. કે, યોગ્ય પ્રતિસાદ ન મળતા સરકારે ફાઈલ અભેરાઈ પર ચડાવી દીધી હતી. હવે સરકાર ફરીવાર સી પ્લેન સેવા કાર્યરત કરવા વિચારી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા સી પ્લેન સેવા અંગે ખાસ પ્લાન તૈયાર કરી રહી છે. ફરીવાર સી પ્લેન સેવા બંધ ન પડી જાય તે અંગે પણ તકેદારી રાખવામાં આવશે. ગુજરાત તેમજ રાજ્ય બહારથી આવતા પ્રવાસીઓને આકર્ષવા માટે મુકવામાં આવેલું આ આકર્ષણ યોગ્ય રીતે કાર્યરત રહે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.લઆ ઉપરાંત સરકાર દ્વારા આગામી સમયમાં અંબાજી-સાપુતારા-પાલિતાણા વગેરે સ્થળે સી પ્લેનની સેવા શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. તે અંગે એ દિશામાં કામગીરી પણ હાથ ધરી દેવાઈ છે. હાલ સી પ્લેન સેવા માટે જેટ્ટી બનાવવાની કામગીરી પર ફોકસ કરાઈ રહ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  બે વર્ષ પહેલાં અમદાવાદથી કેવડિયા સી પ્લેન સેવા મેઈન્ટેઈનન્સની મુશ્કેલીઓ અને ઊંચી ઓપરેટિંગ કોસ્ટના કારણે બંધ કરવી પડી હતી. હવે સી પ્લેનની ઉડાનને શફળ બનાવવા માટે ગુજરાતના પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વધુ રૂટના ઉમેરવા સાથે કોસ્ટ ઓછી થાય તે સંદર્ભે વિચારણા કરાઈ રહી છે. મહેસાણાના ધરોઈ ડેમ ખાતે સી પ્લેન સેવા માટે જેટ્ટી બનાવવાની કામગીરી પર ફોકસ કરાઈ રહ્યું છે, આ ઉપરાંત પાલિતાણા પાસે શેત્રુંજી ડેમ, સાપુતારા લેક અને સુરતના ઉકાઈ ડેમ ખાતે પણ સી પ્લેનની યોજના છે, ગઈકાલે ગાંધીનગર ખાતે આ સંદર્ભે સંબંધિત અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં એવી ચર્ચા કરવામાં આવી હતી કે, સી પ્લેનના રૂટ વધારવામાં આવે તો સી પ્લેન ચલાવતી ખાનગી કંપનીને વધુ ટ્રાફિક મળી રહે તેમ છે, સરકારના આ ડ્રીમ પ્રોજેક્ટમાં ખાનગી કંપનીઓ સરકાર તરફથી તેમને શું પ્રોત્સાહન મળશે, કેટલા સમય ગાળા માટે તે સહિતની બાબતો પર મદાર રાખી રહી છે, આ મુદ્દે પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરાઈ હતી.

સૂત્રોના કહેવા મુજબ સી-પ્લેનની કિંમત કરોડો રૂપિયા હોય છે. સરકાર પોતે સી પ્લેન ખરીદે તો મેઈન્ટેઈનન્સ સહિતનો મોટો ખર્ચ આવે તેમ છે, એકંદરે ફરી વાર સી પ્લેન સેવા બંધ ના થાય તે રીતે શરૂ કરવા માટે વિચારણા કરાઈ છે. કેવડિયાના રૂટ સવારથી સાંજ સુધી વધારી શકાય કે કેમ? સાઈટ સીન ઉપર રૂટ રાખવા કે કેમ? તે સહિતની શક્યતા હાલ ચકાસાઈ રહી છે.

Exit mobile version