Site icon Revoi.in

ગુજરાતઃ કોરોનાના JN.1વેરિયન્ટથી ગભરાવાને બદલે સતર્ક રહેવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી અપીલ

Social Share

અમદાવાદઃ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાના માધ્યમથી પ્રજાજનોને જણાવ્યું હતું કે, કોરોનાના JN.1 વેરિયન્ટ થી લોકોએ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે. રાજ્યમાં કોરોનાની તા. 28 ડિસેમ્બરની પરિસ્થિતી સંદર્ભે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના થી સંક્રમિત હાલ 66 એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 47, રાજકોટ કોર્પોરેશનના 10, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 તેમજ દાહોદ, ગીરસોમનાથ, કચ્છ, મોરબી અને સાબરકાંઠા માં 1-1 કેસ એક્ટિવ છે. હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રાજ્યમાં છેલ્લા સપ્તાહમાં નોંધાયેલ કોરોના કેસના જીનોમ સિકવન્સીગ ના રીપોર્ટ તા. 27 ડિસેમ્બરના રોજ મળ્યા હતા. જેમાં 36 કેસ JN.1 વેરિયન્ટના નોંધાયા છે. જે પૈકી 22 દર્દીઓ સાજા થઇ ગયા છે અને હાલ 14 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આમ JN.1 વેરિયન્ટના પોઝીટીવ દર્દીમાંથી એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી. આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે,રાજ્યમાં 1 ડિસેમ્બર થી 28 ડિસેમ્બર દરમિયાન કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની હેરિટેજ સિટી અમદાવાદ શહેરમાં આજે કોરોનાના નવા દસ કેસ નોંધાયાં હતા. આ પૈકી ચાર દર્દીઓની પ્રવાસ હિસ્ટ્રી સામે આવી છે. શહેરમાં આજે નવા દસ કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંકડો 46 ઉપર પહોંચ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં કોરોના નવા કેસ નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ, થલતેજ, નિકોલ, મણિનગર, ઈસનપુર અને સાબરમતીમાં નોંધાયાં હતા. આજે પાંચ મહિલા અને પાંચ પુરુષોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. નવા દસ દર્દીઓ પૈકી ચાર દર્દીઓની અમદાવાદ બહાર ગોવા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા અને રાજકોટ પ્રવાસની હિસ્ટ્રી સામે આવી છે.