Site icon Revoi.in

ગુજરાતઃ મે મહિનામાં સૌથી વધારે અંગદાન, 58 લોકોને નવજીવન મળ્યું

Social Share

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લોકોમાં અંગદાનને લઈને લોકોમાં જાગૃતિ વધી છે. જેથી લોકો બ્રેનડેડ દર્દીના અંગદાન કરવા આગળ આવી રહ્યાં છે. દરમિયાન એક મહિનામાં રાજ્યમાં 19 વ્યક્તિઓના અંગોનું દાન થયું છે. જેથી 58 દર્દીઓને નવજીવન મળ્યું છે. બીજી તરફ લોકો અંગદાન પ્રત્યે જાગૃત બને તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દાનમાં મળેલા અંગ જરુરીયાત મંદ દર્દી સુધી પહોંચે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે ગુજરાતે ઐતિહાસિક સિધ્ધી હાંસલ કરી છે. ગુજરાતમાં આ મે મહિનામાં કુલ 19 અંગદાન થયા છે જેમાંથી મળેલા 58 અંગોનું સફળતાપુર્વક જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. કોઇપણ એક મહિનામાં રાજ્યભરમાં થયેલા આ અંગદાનની પ્રવૃતિ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક મહિનામાં મળેલા 58 અંગોમાં કિડની- 34,લીવર – 18,હ્રદય – 3, ફેફસાની અને હાથની એક-એક જોડ, અને નાના આંતરડાનો સમાવેશ થાય છે.  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજય સરકારના SOTTO એકમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાજેતરમાં જ મળેલ એવોર્ડ થકી રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા તમામ લોકોને પ્રોત્સાહન મળ્યું છે. આ બહુમાન એ રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિમાં પ્રાણ ફુંક્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પાલનપુરના એક બ્રેનડેડ દર્દીના પરિવારજનોએ પોતાના વ્હાલસોયાના અંગદાનની ઈચ્છા કરી હતી. જેથી પાંચ દર્દીઓને નવજીવન મળ્યું હતું.