Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાઃ રાષ્ટ્રપતિજીએ ગૃહમાં રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન નેવાનું લોન્ચિંગ કર્યું

Social Share

અમદાવાદઃ વન નેશન વન એપ્લીકેશનનું સપનુ સાકાર કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજીએ આજે ગાંધીનગર ગુજરાત વિધાનસભા ગૃહમાં રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન એટલે કે નેવાનું લોન્ચિંગ કર્યુ હતુ.આજથી ગુજરાત વિધાનસભા હવે સંપૂર્ણપણે પેપરલેસ બની છે. વિધાનસભામાં ઉપસ્થિત ધારાસભ્યોને સંબોધન કરતા રાષ્ટ્રપતિજીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત વિધાનસભાએ અનેક ઉતારચઢવ જોયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થવા પર અને ડિજીટલ વિધાનસભા માટે શુભકામના આપતા રાષ્ટ્રપતિજીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતની ધરા પર આવવું મારા માટે ગર્વની વાત છે. ગુજરાત વિધાનસભાએ અનેક મોટા નિર્ણય કર્યા. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. તેમણે સંબોધન દરમિયાન દૂધ અને વીજળીના ઉત્પાદનમાં ગુજરાતની ઉપલબ્ધિઓને નોંધપાત્ર ગણાવી હતી.

આજે વિધાનસભાના કામકાજ સંબંધી તમામ કાગળો ડિજિટલ માધ્યમમાં રજૂ થવાથી દર વર્ષે આશરે 25 ટન જેટલા કાગળોના બચાવની સાથે પર્યાવરણનું જતન થશે. નેવા એપ્લીકેશન લોક પ્રતિનિધિઓને પ્રજાજનો સાથે એક ડિજિટલ બ્રિજ તરીકે જોડવાનું કામ કરશે. વિધાનસભા ગૃહમાં એપ્લીકેશનના માધ્યમથી રજૂ થયેલ તમામ કામકાજ નેવાના પોર્ટલ વેબસાઈટ પર ઉપલબ્ધ થતા પ્રજાજનો અને પત્રકારમિત્રોને ઉપયોગી થશે. ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થયું છે. આ અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપર્દી મુર્મુએ ગૃહમાં રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન નેવાનું લોન્ચિંગ કર્યુ હતું. આ પ્રસંગે સંબોધન કરતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યુ હતુ કે, આ આપણા માટે ગર્વની વાત છે કે હવે આપણે ફિઝિકલથી ડિજિટલ યુગ તરફ વળ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ પેપરલેસ ગર્વમેન્ટને પ્રોત્સાહન આપ્યું છે. જેનાથી આજે ગુજરાત વિધાનસભા પેપરલેસ થઈ છે. વિકાસના પ્રણેતા નરેન્દ્ર મોદી ગુજરાતના જ પનોતા પુત્ર છે. પ્રધાનમંત્રીના ‘વન નેશન વન એપ્લિકેશન’ના સ્વપનાને સાકાર કરનારું ગુજરાત સૌપ્રથમ રાજ્ય બન્યુ છે. જેનાથી ગૃહની કામગીરીમાં ગતિશીલતા આવશે.આ અભિગમથી નવા બિલ અને મેજ પર મુકવાના કાગળ ઓનલાઇન ટેબલેટ-લેપટોપ પર જ મળી રહેશે. પેપરલેસ મોડેલ થકી ગુજરાતના તમામ ધારાસભ્યો સરકારને પૂછવા માગતા હશે તો તેને એપ્લિકેશન મારફતે જ મોકલી દેવાના રહેશે અને કોઇ પત્રવ્યવહાર કરવાની ઝંઝટ રહેશે નહીં. વિધાનસભાના સત્ર દરમિયાન 9 વિધેયકો રજૂ થઈ શકે છે. જેમાં જીએસટી સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા વિધેયક, પ્રાઇવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક, ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વિધેયક, ઓબીસી અનામત સંબંધી સુધારા વિધેયક સહિતના વિધેયકો રજૂ થાય તેવી શક્યતા છે.