Site icon Revoi.in

ગુજરાતઃ 14 જિલ્લાના 880 ગામમાં લમ્પી વાઈરસની હાજરી, 37 હજારથી વધુ પશુઓની સારવાર કરાઈ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં પશુઓમાં લમ્પી સ્કીન ડિસિઝ રોગના લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પશુપાલન વિભાગના અધિકારીઓને સતત મોનિટરિંગ કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપી હતી અને પશુઓને સત્વરે સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.તેમ કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. રાજ્યના 14 જિલ્લાના 880 ગામમાં લમ્પી વાયરસથી પીડિત પશુઓની સારવાર કરવામાં આવી છે.

કૃષિ અને પશુપાલન મંત્રી એ ઉમેર્યું કે, રાજ્ય સરકારે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને આ રોગના નિયંત્રણ માટે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા માટે જણાવાયું હતું જેના પરિણામે આ રોગને વધુ ફેલાતો રોકવામા સફળતા મળી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાલ ચાલી રહી છે

મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું કે, લમ્પી સ્કીન ડીસીઝ રાજયના કુલ 14 જિલ્લાઓ ખાસ કરીને  સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર,  મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ સહિત  બનાસકાંઠા અને સુરતમાં ગાય-ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળ્યો છે.

લમ્પી સ્કીન ડીસીઝ એ એક વાયરસજન્ય રોગ છે જેનો ફેલાવો મચ્છર, માખી,જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી ફેલાય છે. આ રોગના લક્ષણોમાં મુખ્ય રીતે પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાક માંથી પ્રવાહી આવે, મોઢામાંથી લાળ પડે, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે, પશુનું દૂધ ઉત્પાદન ઘટે, ખાવાનુ બંધ કરે કે ખાવામાં તકલીફ પડે, ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક જ પશુ મૃત્યુ પામે છે.

મંત્રીએ ઉમેર્યું કે, અત્યાર સુધી રાજયના 14 જીલ્લાઓમાંથી મળેલ માહિતી અનુસાર આ જિલ્લાના 880 ગામોમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે અને તેમાં તમામ અસરગ્રસ્ત 37121 પશુઓને સારવાર આપવામાં આવી છે. આ રોગ અંગે તાલુકા કક્ષાએથી મળેલ રોગચાળાના અહેવાલ મુજબ અત્યાર સુધી 999 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મરણ થયા હોવાનું નોંધાયું છે.

તેમણે ઉમેર્યુ કે,અસરગ્રસ્ત ગામમાં રોગીષ્ટ પશુઓને તાત્કાલિક અલગ કરી, નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 2.68 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે.