Site icon Revoi.in

ગુજરાતઃ 22થી 25 જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી થશે, 3 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસરને પગલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જો કે, હજુ સુધી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ બેઠુ નથી. રાજ્યમાં તા. 22થી 25મી જૂનની વચ્ચે રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થશે. એટલું જ નહીં તા. 23થી 3મી જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાતોએ કરી છે.

હવામાન નિષ્ણાના મત અનુસાર આ વર્ષે કેરળમાં ચોમાસુ સામાન્ય કરતા એક અઠવાડિયુ મોડુ બેઠું હતું. જે બાદ ચોમાસુ ઉત્તર તરફ આગળ વધ્યું હતું. રાજ્યમાં હજુ સુધી ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. બિપોરજોય વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો. તેમજ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરો-નગરોમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં હાલ ચોમાસુ નબળુ પડ્યું છે, આગામી 48 કલાકમાં ચોમાસું મજબૂત બની આગળ વધશે. અત્યારે ચોમાસું ગોવાથી આગળ વધી રહ્યું છે. આગામી 22થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. ચોમાસાની શરૂઆત થોડી નબળી હશે. જો કે, રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદ વરસવાની હવામાન નિષ્ણાંતોએ શકયતાઓ વ્યક્ત કરી છે.

રાજ્યમાં સામાન્ય રીતે તા. 16મી જૂનની આસપાસ ચોમાસાની વિધિવત એન્ટ્રી થાય છે, પરંતુ ચાલુ વર્ષે કેરળમાં એક અઠવાડિયુ મોડુ ચોમાસાની એન્ટ્રી થઈ હતી. જેથી આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસુ સક્રિય થવાની શકયતા છે. બીજી તરફ હાલ ઉત્તરપ્રદેશ અને બિહાર સહિતના રાજ્યોમાં કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. તેમજ લૂ લાગવાને કારણે 150થી વધારે લોકોના મોત થયાં છે. જેથી ઉત્તર ભારતની જનતા પણ ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહી છે.