Site icon Revoi.in

ગુજરાતઃ વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી, સ્પેશિયલ ડ્રાઇવમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અનધિકૃત વ્યાજખોર પોલીસ કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ સામે ખોટો કેસ ન થાય તેની ખાસ તકેદારી સાથે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસ દ્વારા તા.21/06/2024થી રાજ્યભરમાં તમામ શહેર/જીલ્લા ખાતે નાણાં ધીરધાર અધિનિયમ-2011 અંગે ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. તા.31/07/2024 સુધી ચાલનાર આ ડ્રાઇવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં અત્યાર સુધીમાં 134 એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે. જેમાં 226 આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે. પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યાં છે તો અનેકને પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે. અનધિકૃત એકપણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે.

મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે, આ ડ્રાઇવનો ઉદ્દેશ માત્ર ફરિયાદોની સંખ્યા કરવાનો નથી. પરંતુ ગ્રાહ્ય ફરિયાદોને જ નોંધવામાં આવે અને તેના આધારે કડકપણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે જે અરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણા પડાવ્યા હોય તે નાણા પણ પરત અપાવવાનો અભિગમ છે.

તા.21મી જુનથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં યોજાયેલા 568 લોકદરબારમાં 32 હજારથી વધુ નાગરિકો જોડાયા છે. આ લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. આ લોકદરબારમાં પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી અને તેઓ લોકોની વચ્ચે ગયા ને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version