Site icon Revoi.in

ગુજરાતઃ આવતીકાલથી શાળાઓમાં ધો. 12ના ઓફલાઈન વર્ગો શરૂ થશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા હવે નિયંત્રણો ખૂબજ હળવા કરી દેવામાં આવ્યા છે. ત્યારે વર્ષ 2021-22ના નવા શૈક્ષણિક વર્ષમાં 15 જુલાઈથી ધોરણ 12 માટે સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાની શિક્ષણમંત્રીએ 5 જુલાઈએ જાહેરાત કરી હતી. ત્યારબાદ 9 જુલાઈએ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ શિક્ષણ વિભાગે પરિપત્ર જારી કરીને 15 જુલાઈથી સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાની માર્ગદર્શિકા આપી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં  શિક્ષણ વિભાગે સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં હાલ 50 ટકા કેપેસિટી સાથે સ્કૂલોમાં ધોરણ-12ના વર્ગો શરૂ કરવા મંજૂરી આપી છે. જો કે, વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફે તમામ નિયમોનું પાલન કરવું પડશે, ક્લાસરૂમને રેગ્યુલર સેનિટાઇઝ કરવાના રહેશે. શિક્ષણ વિભાગના આ પરિપત્ર અનુસાર પોતાના સંતાનોને ઓફલાઈન શિક્ષણ માટે સ્કૂલે મોકલવા વાલીઓએ ફરજિયાત સંમતિપત્ર ભરી આપવું પડશે. જે વાલીની લેખિતમાં સંમતિ હશે તેના સંતાનોને જ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ સ્કૂલે ના આવવા માગતા હોય તેમના માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 15મી જુલાઈથી ધોરણ 12 માટે સ્કૂલ શરૂ કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી. ગુરૂવારથી જ સ્કૂલ શરૂ થવાની છે, પરંતુ આજે સવાર સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કે માર્ગદર્શિકા આપવામાં આવી નહોતી, જેથી કાલથી સ્કૂલ શરૂ કરવી કે નહીં એ અંગે પ્રશ્ન હતો. સ્કૂલ શરૂ કરવાનો પરિપત્ર આવે કે ના આવે, પરંતુ શાળા સંચાલકોએ તૈયારી કરી લીધી છે. સરકાર તરફથી સૂચના મળે એ બાદ જ સ્કૂલ શરૂ કરાશે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ ધોરણ 12ની સ્કૂલો શરૂ કરવા જાહેરાત કરી હતી. કોરોનાના કેસ ઘટતાં કેટલાય સમયથી ઓનલાઇન ચાલી રહેલા શિક્ષણ હવે ધીરે ધીરે ઓફલાઈન કરવા સરકાર વિચારણા કરી રહી છે, જેથી ધોરણ 12ના વર્ગ ઓફલાઈન શરૂ કર્યા બાદ તબક્કાવાર 9થી 11ના વર્ગ શરૂ કરવા આયોજન છે.

(PHOTO-FILE)