Site icon Revoi.in

ગુજરાત યુનિ. સંલગ્ન લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ખોરંભે પડતા 8500 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન લૉ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા હાલ અટકાવી દેવામાં આવતાં અરજી કરનારા 8500 વિદ્યાર્થીઓ દ્વિધાભરી સ્થિતિમાં મૂકાયા છે. કોર્ટ મેટરના કારણે હાલમાં પ્રવેશ ફાળવી શકાય તેમ નથી. આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય ન થાય તો આ વિદ્યાર્થીઓ માટે ભારે મુશ્કેલી ઊભી થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન લૉ કોલેજોમાં પ્રથમ વર્ષ એલએલબીમાં પ્રવેશ માટે 8500 વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બીજી બાજુ હાલમાં ગ્રાન્ટેડ કોલેજોમાં ડિવિઝનના મુદ્દે હાઇકોર્ટમાં રિટ થતાં સુનાવણી ચાલી રહી છે. જેના અનુસંધાનમાં પ્રવેશ પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે. આમ, હાલમાં એલએલબીમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પૈકી જેઓએ અન્ય કોઇ કોર્સમાં પ્રવેશ માટે ફોર્મ ભર્યા નથી તેઓ દ્વિધાભરી સ્થિતિમાં મૂકાયા છે. કારણ કે આગામી દિવસોમાં પ્રવેશ પ્રક્રિયા ક્યારે ચાલુ થશે. તે અંગે હાલમાં પ્રવેશ સમિતિના સભ્યો પણ કોઇ તારીખ આપી શકે તેમ નથી. વિદ્યાર્થીઓના હિતમાં કોર્ટ યોગ્ય નિર્ણય કરશે તેવી અપેક્ષા સાથે હાલમાં વિદ્યાર્થીઓ રાહ જોઇ રહ્યા છે. યુનિવર્સિટી સાથે જોડાયેલી જુદી જુદી લૉ કોલેજોમાં હાલમાં અંદાજે 4 હજાર બેઠકો ઉપલબ્ધ છે. પ્રવેશ માટે 8500થી વધારે વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા છે. હાલમાં બેઠકો કરતા ડબલ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે દરખાસ્ત કરી છે.

દરમિયાન એબીવીપીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના અસારવા ખાતે આવેલી સરકારી સ્પાઇન અને ફિઝિયોથેરાપી ઇન્સ્ટિટ્યૂટમાં બેચરલ ઇન ફિઝિયોથેરાપીમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરાવે તો શું થઇ શકે તે માટે યોગ્ય ગાઇડલાઇન ઉપલબ્ધ નથી. આ સ્થિતિમાં કોઇ વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરાવે તો સંસ્થા દ્વારા ઓરિજનલ  ડોક્યુમેન્ટ પરત આપવામાં આવતા નથી. જેના કારણે અનેક વિદ્યાર્થીઓએ ભારે મુશ્કેલી ભોગવવી પડતી હતી. આજે એબીવીપી દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દે કોલેજના પ્રિન્સિપાલ સમક્ષ રજૂ કરવામાં આવતાં પોતાની પાસે કોઇ સત્તા ન હોવાનું જણાવ્યું હતું. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આરોગ્ય વિભાગમાં પત્ર લખીને કોઇ વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરાવે તો શું કરવું તે અંગે માર્ગદર્શન પણ માગ્યું હતું.