Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીનો 73મો સ્થાપના દિન ઊજવાયો, કોલેજોમાં પણ કાર્યક્રમો યોજાયા

Social Share

અમદાવાદઃ રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીનો 73મો સ્થાપના દિવસ આજે ઊજવાયો હતો. યુનિ.કેમ્પસમાં નહીં પણ યુનિ.સંલગ્ન કોલેજોમાં ઉજવણી કરવામાં આવી હતી. તેમજ  વિદ્યાર્થીઓને આજે એક દિવસની જાહેર રજા પણ આપવામાં આવી હતી. .યુનિવર્સિટીમાં સ્થાપના દિવસ નિમિતે કોલેજોમાં અલગ અલગ રંગોળી બનાવવામાં આવી હતી. ઉપરાંત અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા. યુનિવર્સિટીના તમામ પ્રોફેસર અને ફેકલ્ટીએ  ઊજવણીમાં ભાગ લીધો હતો.

ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના 23 નવેમ્બર 1949ના રોજ થઈ હતી. યુનિનો ઈતિહાસ પણ ઉજ્જવળ રહ્યો છે. યુનિના પૂર્વ વિદ્યાર્થીઓ આજે દેશ-વિદેશમાં સારી પોસ્ટ પર ફરજ બજાવી રહ્યા છે. આજે પણ યુનિએ અનેકવિધ વિવિધ અભ્યાસક્રમો શરૂ કરીને વિદ્યાર્થીઓના જીવનમાં ઘડતર કરીને તેમને પગભર બનાવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં અનેક કોર્સ ચાલે છે. જેમાં લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે હવે નવું શૈક્ષણિક વર્ષ શરુ થયું છે. કોરોના જેવી મહામારીની પરિસ્થિતિમાં પણ ગુજરાત યુનિવર્સિટીમાં 90 નવા કોર્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. 90 પૈકીના અનેક કોર્સ સૌ પ્રથમ વખત ગુજરાત અને ભારતમાં ભણાવવામાં આવશે. આ 90 કોર્સમાંથી 20 કોર્સ કોરોનાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યા છે. જે આવનાર સમયમાં મદદરૂપ થશે.

અમદાવાદ ખાતે એડવાન્સ ટેકનોલોજી સેન્ટર – સરદાર વલ્લભભાઈ પટેલ સેન્ટર ફોર સાયબર સિક્યુરીટી રિસર્ચની સ્થાપના માટે ગુજરાત યુનિવર્સિટી અને ભારત સરકારના સંરક્ષણ વિભાગના હસ્તકના ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન સાથે નવી દિલ્હી ખાતે 4 ઓક્ટોબરે MOU થયા હતા. આ MOU પ્રસંગે ભારત સરકારના મંત્રી રાજનાથસિંહ, સંરક્ષણ વિભાગના સેક્રેટરી અને DRDOના ચેરમેન ડૉ જી. સતીસ રેડ્ડી અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા હાજર રહ્યા હતા. આ MOUથી સંરક્ષણ અને તકનીકી ક્ષેત્રે જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશેષ પ્રમાણમાં સંશોધન હાથ ધરવામાં આવશે. આ સેન્ટરથી 100 કરોડથી પણ વધુના રોકાણ સાથે સ્થાપવામાં આવશે.