Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીમાં ભારતીય આર્મીમાં અગ્નિવીરોની ભરતી માટે કેમ્પ યોજાશે

Social Share

અમદાવાદઃ ભારતીય આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવા માટે ઉમેદવારો આગામી તા.3જી સપ્ટેમ્બરે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે. ગુજરાત રાજ્યના યુવાનો માટે અગ્નિપથ યોજના અંતર્ગત ઈન્ડિયન આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવા માટે આર્મી રિક્રુટિંગ ઓફિસ, અમદાવાદ દ્વારા તારીખ 15 ઓક્ટોબર, 2022થી 08 નવેમ્બર, 2022 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નવરંગપુરા ખાતે ગુજરાતના 20 જિલ્લાઓ અને 02 કેન્દ્રશાસિત પ્રદેશો માટે ભરતી કેમ્પનું આયોજન કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય આર્મીમાં અગ્નિવીર તરીકે ભરતીમાં જોડાવા માંગતા ઉમેદવારોએ તા. 03/09/2022 સુધી joinindianarmy.nic.in વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને અરજી કરવાની રહેશે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એરેના, નવરંગપુરા ખાતે તારીખ 15 ઓક્ટોબર, 2022થી 08 નવેમ્બર, 2022 દરમિયાન ઇન્ડિયન આર્મીમાં અગ્નિવીર ભરતી માટે ભરતી કેમ્પ યોજાશે. જેમાં રાજ્યના અમદાવાદ, આણંદ, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, સાબરકાંઠા, વડોદરા, મહેસાણા, સુરત, બનાસકાંઠા, નર્મદા, મહીસાગર, ગાંધીનગર, અરવલ્લી , છોટા ઉદેપુર , ભરૂચ , ખેડા , દાહોદ , પંચમહાલ જેવા 20 જિલ્લાઓ અને દમણ તેમજ દાદરા-નગર હવેલી એમ 02  કેન્દ્રશાસિત પ્રદેશોને આ ભરતી અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  ભરતી રેલીના શેડ્યૂલના આધારે ઉમેદવારોએ આર્મીમાં પાત્રતા આધારિત કારકિર્દી વિકલ્પ માટે www.joinindiaarmy.nic,in  વેબસાઈટ  પર ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ ઉમેદવારોને તેમના શારીરિક પરીક્ષણો અને મેડિકલ માટે ચોક્કસ સ્થળ તારીખ અને સમયે બોલાવવામાં આવશે, જેની જાણ તેમના રજિસ્ટર્ડ ઈ-મેલ આઈડી / મોબાઈલ નંબર પર કરવામાં આવશે. તેથી, તમામ અરજદારો પાસે માન્ય ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો ફરજિયાત છે. અરજી ઓનલાઇન કરવી ફરજિયાત છે. જે ઉમેદવારો ઓનલાઈન નોંધણી કરાવતા નથી, તેઓને ભરતી રેલીમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવશે નહીં.  ઓન-લાઈન નોંધણી/અરજી શરૂ કરવા માટે ઉમેદવારો પાસે નીચેના દસ્તાવેજો હોવા જોઈએ – (એ) શિક્ષણ પ્રમાણપત્રો. (બી) અંગત વિગતો (સી) ડોમિસાઇલ સર્ટિફિકેટ (ડી) માન્ય ઈ-મેલ આઈડી (સ્થળ/તારીખ/સમય/રિપોર્ટિંગ ટાઈમની વિગતો દર્શાવતું એડમિટ કાર્ડ આ ID પર મોકલવામાં આવશે) ( e ) અંગત મોબાઇલ નંબર (b) ઓનલાઈન રજિસ્ટ્રેશન અને અરજી પ્રક્રિયા 03 સપ્ટેમ્બર, 2022ના રોજ બંધ થશે.