Site icon Revoi.in

ગુજરાતનો 61 મો સ્થાપના દિવસ – પીએમ મોદીએ ટ્વિટ કરીને આપી શુભેચ્છા

Social Share

અમદાવાદ: ગુજરાત રાજ્ય આજે પોતાનો 61 મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આ બાબતે વડાપ્રધાન મોદી  દ્વારા લોકોને શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે,1960માં થઈ હતી. ગુજરાતે આઝાદી પછી વિકાસની હરણફાળ ભરી છે અને ગુજરાતનું નામ વિદેશમાં ગાજતું થયું છે.

1947માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યુ. કચ્છ, સૌરાષ્ટ અને બૃહદ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટા ભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો.

સ્વતંત્રતા પછી 1948માં મહાગુજરાત સંમેલન થયું. જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી હતી. 1956માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા જ્યારે અન્ય ભાગની ભાષા મરાઠી હતી.

1960ની 1 મે એ મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનો અને મહાગુજરાત આંદોલન થકી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી હતી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરવામાં આવ્યો. આમ પ્રથમ વખત ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવ્યો. ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું. 1970માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી.

ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યમાંથી એક છે, તથા તેની માથાદીઠ સરેરાશ આવક જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતા વધારે છે. રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસ, મગફળી, શેરડી અને પેટ્રોલિયમનો સમાવેશ થાય છે.

ખંભાતના અખાત પાસે આવેલુ શહેર સુરત વિશ્વભરના હીરાના વ્યાપાર તથા કારીગરીનું એક મુખ્ય કેન્દ્ર છે. ખંભાતના અખાત પર ભાવનગરની દક્ષિણ-પૂર્વ દીશામાં ૫૦ કીમીના અંતરે અલંગમાં દુનિયાનું સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું આવેલું છે. મહેસાણા શહેરમાં આવેલી દુધસાગર ડેરીએ વિશ્વની સૌથી મોટી દૂધની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે. ગુજરાત, ભારતમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે. મીઠાંનાં ઉત્પાદનમાં પણ તે આગળ પડતુ સ્થાન ધરાવે છે.