Site icon Revoi.in

ગુજરાતની 7 ખાનગી યુનિ.ને સેન્ટર ઓફ એક્સલન્સ’ તરીકે સૈદ્ધાંતિક મંજૂરી અપાતા પ્રવેશ-ફીની સ્વતંત્રતા મળશે

Social Share

અમદાવાદઃ રાજ્યની 7 ખાનગી યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સ્પર્ધા કરી શકે તે માટે ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ તરીકે સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય મુખ્યપ્રધાન  વિજય રૂપાણીએ કર્યો છે, જેથી હવે પ્રવેશ અને ફીમાં સ્વતંત્રતા મળશે. જોકે સરકારે અંતિમ મંજૂરી આપતા પહેલા યુનિવર્સિટીઓ પાસે એક્શન પ્લાન મગાવ્યો છે, જે આગામી બે સપ્તાહમાં રજૂ થશે. આ પછી જો સરકાર પ્રવેશની સંપૂર્ણ સ્વતંત્રતા યુનિવર્સિટીઓને આપે તો ગુજરાતના વિદ્યાર્થીઓને ઉત્તમ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે મળતી 50 ટકા બેઠકનું નુકસાન થઈ શકે છે.

રાજ્યની નિરમા, ચારુસેટ, અમદાવાદ યુનિવર્સિટી, મારવાડી, પીડીપીયુ, સેપ્ટ તેમજ ધીરુભાઈ અંબાણી યુનિ. (DAIICT)ને ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ની સૈદ્ધાંતિક મંજૂરીનો નિર્ણય કરાયો છે. આ દરજ્જો મળતા સાત યુનિ.માં વૈશ્વિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાશે, જેમાં હાઇટેક અને સ્ટુડન્ટ ફ્રેન્ડલી ક્લાસરૂમ, ફેકલ્ટીઝ, લેબ, લાઇબ્રેરી, હોસ્ટેલ જેવી સુવિધા થશે. અત્યાર સુધી ગુજરાત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ મારફત પ્રવેશ અપાતો હતો. હવે યુનિવર્સિટીઝ તેમની રીતે જ પ્રવેશ આપી શકશે.

ઉપરાંત ફી પણ રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી ફી કમિટી દ્વારા નક્કી થતી હતી, જે યુનિ.ઓ હવે તેમની રીતે જ નક્કી કરશે. એકંદરે પ્રવેશ-ફીની સ્વતંત્રતા મળતા યુનિ.ઓ ઉત્તમ ગુણવત્તાવાળું આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ આપીને એક્સલન્સ મેળવે તેવો હેતુ છે. યુનિ.ઓને પ્રવેશ અને ફીની સ્વતંત્રતાથી 50 ટકા બેઠકોનું નુકસાન થઈ શકે છે. અત્યાર સુધી યુનિ.ઓમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે 50 ટકા બેઠકો અનામત હતી અને બાકીની 50 ટકા બેઠકો જેઈઈના આધારે યુનિ.ઓ તેમની રીતે પ્રવેશ પ્રક્રિયા કરીને પ્રવેશ આપતી હતી. જો સરકાર પ્રવેશની સંપૂર્ણ સ્વતંત્રતા આપે તો ગુજરાતના વિદ્યાર્થીઓને મળતી 50 ટકા બેઠકોનું નુકસાન થાય અને આ બેઠકો પર સમગ્ર દેશના વિદ્યાર્થીઓને મળે.

જ્યારે યુનિ.ઓમાં ફી માટે રાજ્ય સરકારની ફી કમિટીનું નિયંત્રણ હતું, છતાં ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ યુનિ.ઓમાં ફીના કારણે પ્રવેશ જતો કરવો પડે તેવી સ્થિતિ હતી. હવે ફીમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે તો ફી હજુ પણ વધી શકે છે.