Site icon Revoi.in

ગુજરાતમાં ફરી માવઠું થવાની આગાહી, 7થી 10 જાન્યુઆરીએ વરસાદની શક્યતા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે અને હાલ કડકડતી ઠંડી પડી રહી છે. દરમિયાન આગામી તા. 7મી જાન્યુઆરીથી 10મી જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાક માવઠાનું સંકટ ઘેરાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. તા. 11મી જાન્યુઆરીથી રાજ્યમાં શીત લહેર ફરી વળવાની શકયતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તા. 7થી 10મી જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસવાની શકયતા છે. દરમિયાન ચારેક દિવસ વાતાવરણ પણ વાદળછાયું રહેવાની શકયતા છે. ઉત્તર ગુજરાતમાં 7 અને 8 જાન્યુઆરીએ કમોસમી વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. મહેસાણા જિલ્લામાં માવઠાનું જોર વધુ રહે તેવી પણ શક્યતા છે. વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે. ખેડૂતોને પોતાનો મહામુલો પાક બરબાદ થવાની ચિંતા સતાવી રહી છે. રાજ્યમાં તા. 11મી જાન્યુઆરીથી સુસવાટા મારતા પવનની સાથે ઠંડીમાં વધારો થવાની શકયતા છે.

ઉત્તરભારતમાં પડેલી હીમ વર્ષાને પગલે રાજ્યમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. હાલ સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. જેથી અનેક વિસ્તારોમાં મોડી સાંજથી રસ્તાઓ સુમસામ બની જાય છે. રાજ્યમાં પડતી કડકડતી ઠંડીને પગલે લોકો ગરમ વસ્તો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે.