Site icon Revoi.in

હર ઘર તિરંગા અભિયાનઃ RSSના કાર્યાલય ઉપર મોહન ભાગવતે તિરંગો લહેરાવ્યો

Social Share

મુંબઈઃ સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ હર ઘર તિરંગા અભિયાનને વેગ આપ્યો છે, આરએસએસએ શનિવારે પોતાના કાર્યાલયમાં તિરંગો લહેરાવતો એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત તિરંગો ફરકાવતા નજરે પડે છે. તેમજ લખ્યું છે કે, ‘સ્વાધીનતાથી અમૃત મહોત્સવ મનાવીએ, હર ઘર તિરંગો લહેરાવીએ, રાષ્ટ્રીય સ્વાભિમાન જગાવીએ’. આ પહેલા સંઘ દ્વારા પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર તિરંગાની ડીપી લગાવી હતી. તેમજ મોહન ભાગવતે પણ પોતાનો પ્રોફાઈલ ફોટો ચેન્જ કર્યો હતો અને તિરંગો લગાવ્યો હતો. તેમજ આરએસએસના કાર્યકરોએ હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા દેશની જનતાને અપીલ કરી હતી.

સમગ્ર દેશમાં આજેથી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પોતાના નિવાસસ્થાનના છત ઉપર તિરંગો લહેરાવતા નજરે પડ્યાં હતા. તેમજ સમગ્ર દેશમાં તિરંગા યાત્રા પણ યોજવામાં આવી રહી છે. તિરંગા અભિયાનને લઈને કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે આક્ષેપ કરતા કહ્યું હતું કે, જે લોકોએ આપણા સ્વતંત્રતા સૈનાનિયો સાથે ગદ્દારી કરી, જે લોકોએ દેશ સાથે ગદ્દારી કરી, જેમણે આપણા સ્વતંત્રતા સંગ્રામ અને ભારત છોડો આંદોલનનો વિરોધ કર્યો, જેમણે અંગ્રેજો માટે કામ કર્યું, જેમણે અંગ્રેજોની માફી માગી તે આજે આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને વેચી રહ્યાં છે, તિરંગા વેચુ પાર્ટી. જયરામ રમેશે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી કે, શું તમને ખબર છે, આરએસએસએ તિરંગા અને સંવિધાનનો વિરોધ કર્યો હતો.