Site icon Revoi.in

હરિયાણાઃ પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાને અપ્રમાણસર મિલકતના કેસમાં 4 વર્ષની સજા

Social Share

નવી દિલ્હીઃ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. અપ્રમાણસરની મિલકતના કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ચૌટાલાને કસુરવાર ઠરાવીને  4 વર્ષની જેલ અને 50 લાખનો દંડ ફટકાર્યો હતો. આગામી દિવસોમાં ચૌટાલાની 4 મિલકતો જપ્ત કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઈના વકીલે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને જવાબદાર પદનો દુરુપયોગ કરવા બદલ મહત્તમ સજાની માગ કરી હતી. બીજી તરફ, ચૌટાલાના વકીલે તેમની 87 વર્ષની ઉંમર અને 90 ટકા વિકલાંગતા અને કસ્ટડીમાં વિતાવેલ દિવસોની સંખ્યાને ધ્યાનમાં રાખીને લઘુત્તમ સજાની માગ કરી હતી. ઓમ પ્રકાશ ચૌટાલાના વકીલે તેમની ખરાબ તબિયતને ટાંકીને આત્મસમર્પણ કરવા માટે 10 દિવસનો સમય માંગ્યો હતો, પરંતુ કોર્ટે ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે જેલમાં તબીબી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અપ્રમાણસર સંપત્તિ કેસમાં ઓમ પ્રકાશ ચૌટાલાને ચાર વર્ષની જેલ અને 50 લાખના દંડની સજા ફટકારી છે. કોર્ટે નિર્દેશ કર્યો હતો કે, ચૌટાલાએ સીબીઆઈને અલગથી 5 લાખ આપવા પડશે. જો 5 લાખ નહીં આપવામાં આવે તો આ 4 વર્ષ ઉપરાંત 6 મહિનાની સજા વધી જશે. ઓમ પ્રકાશ ચૌટાલાની 4 સંપત્તિ જપ્ત કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. હવે ઓમ પ્રકાશ ચૌટાલાને કોર્ટ પરિસરમાંથી કસ્ટડીમાં લઈ જેલમાં મોકલવામાં આવ્યા હતા.