Site icon Revoi.in

પર્યાવરણના જતન માટે હરિયાણા સરકારની અનોખી પહેલઃ 75 વર્ષથી વધુની ઉંમરના વૃક્ષોને આપશે પેન્શન

Social Share

દિલ્હીઃ ગ્લોબલ વોર્મિંગની સામનો કરતા દુનિયાના વિવિધ દેશો પર્યાવરણના જતન માટે કામગીરી કરી રહ્યાં છે. દરમિયાન હરિયાણા સરકારે વૃક્ષોના જતન માટે મહત્વનો નિર્ણય લીધો છે. હરિયાણામાં 75 વર્ષથી વધુની ઉંમરના લગભગ 2550 વૃક્ષોને પેન્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઓક્સિ-વન પરિયોજના હેઠળ આવા વૃક્ષોના જતન માટે દર વર્ષે રૂ. 2500નું પેન્શન આપવામાં આવ્યો છે. આ રકમ વૃક્ષોની આસપાસ ગ્રીલ, નેમપ્લેટ અને આસપાસ જાળવણી માટે આપવામાં આવશે.

ઓક્સિજન-વન યોજનાનું લક્ષ્યાંક ઓક્સિજન સંકટમાં ઓક્સિજન ઉપલબ્ધ કરાવવાનું છે. આ માટે પાંચ એકરથી લઈને 100 એકર જમીનમાં ઓક્સિજન-વન ઉભુ કરાશે. પ્રાયોગિક ધોરણે જુના બાદશાહી શહેરની સાથે 42 કિમી લંબાઈમાં 80 એકર જમીનમાં ઓક્સિજન-વન ઉભુ કરવામાં આવશે. આ પરિયોજનાના પ્રથમ તબક્કામાં રૂ. 5 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં વિવિધ વૃક્ષોનું રોપણ કરવામાં આવશે. આરોગ્ય વનમાં તુલસી, અશ્વગંધા, લીમડો, એલોવેરા સહિતના વૃક્ષો રોપવામાં આવશે.

સીએમ મનોહર લાલએ જણાવ્યું હતું કે, પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના એક અનોખી અને દેશમાં કદાચ આ પહેલી યોજના હશે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર 75 વર્ષથી વધુની ઉંમરના વૃક્ષોનું સન્માન કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં આવા વૃક્ષોની ઓળખ કરીને સ્થાનિક લોકોને આ યોજનામાં સામેલ કરીને આ વૃક્ષોનું જતન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તેમજ લોકો પેટ્રોલ-ડીઝલના વાહનને બદલે ઈ-વાહન તરફ વળે તે માટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા સબસીટી સહિતના લાભ આપવામાં આવી રહ્યાં છે.