Site icon Revoi.in

હજીરા-ઘોઘા ફેરી સર્વિસને 3 વર્ષ પૂર્ણઃ 6.49 લાખ પ્રવાસીઓએ કરી મુસાફરી

Social Share

અમદાવાદઃ સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘાને દરિયાઈ માર્ગથી જોડતી રો-રો ફેરી સર્વિસે સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે મુસાફરો અને માલસામાનની અવરજવર ખૂબ સરળ અને સુગમ બનાવી છે. જેથી સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને મળતા સૌરાષ્ટ્રના જિલ્લાઓ આર્થિક રીતે મજબૂતાઈ મળી છે, અને વ્યવસાય-રોજગારીની નવી તકો ઉભી થઈ છે. રો-રોને કારણે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બન્યું છે, પરિણામે પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળ્યો છે. મુસાફરો સહિત સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માલ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોંચી રહ્યો છે. જેથી સૌરાષ્ટ્રને રો-રો થકી એક મોટું બજાર મળ્યું છે. આમ, રો-રો સેવા એ માત્ર પરિવહન સેવા ન બની રહેતા સૌરાષ્ટ્ર અને સુરતના લોકો માટે સમૃદ્ધિની ચાવી સાબિત થઈ છે.

આ ફેરી સેવાથી સૌરાષ્ટ્ર અને સુરતનું અંતર ઘટ્યું છે, અને વેપાર, વ્યવહાર અને સંબંધ વધ્યા છે. સમય, ઇંધણ અને નાણાની બચત કરનારી આ સેવાએ બે પ્રદેશોને વિકાસના માર્ગે જોડ્યા છે. દિવાળીના તહેવારોમાં સુરતમાં વસતા લાખો સૌરાષ્ટ્રવાસીઓ વતનમાં જાય છે, તેમના માટે રોરો સેવા આશીર્વાદરૂપ બની છે. દરિયાઈ સફરનો આનંદ અને રોમાંચ પણ આ ફેરીનું જમા પાસું છે.

તા.10મી નવેમ્બરે વિશ્વ માસ ટ્રાન્સપોર્ટ દિવસ પણ ઉજવાય છે, ત્યારે વોટર માસ રેપિડ ટ્રાન્સપોર્ટ રૂપે જળમાર્ગની પણ ખૂબ ઉપયોગિતા છે. કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેયઝ મંત્રાલય દ્વારા દીનદયાળ પોર્ટ ઓથોરિટી હેઠળ સાકાર થયેલી ફેરી સેવા અંતર્ગત હજીરા ખાતે સપ્ટેમ્બર-૨૦૨૨માં નવું સ્ટેટ ઓફ ધ આર્ટ ‘ડીપ ડ્રાફ્ટ ટર્મિનલ’ પણ તૈયાર કરાયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુલી ઉપસ્થિત રહીને તા. 8 નવેમ્બર,2020 ના રોજ સુરતના હજીરા પોર્ટથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-રો અને રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવ્યો હતો. જેનો તા.9મી નવેમ્બરના રોજ ત્રણ વર્ષ પુર્ણ થયા છે. આ સફળતાપૂર્વક ચાલતી રો-રો સેવા દરરોજ બે રાઉન્ડ ટ્રીપ કરે છે અને દરરોજ અંદાજે 2000 મુસાફરો, 280 પેસેન્જર વાહનો, 200 ટુ-વ્હીલર અને 180 ટ્રકની હેરફેર કરે છે. છેલ્લા 3 વર્ષમાં, નવેમ્બર-2020 થી શરૂ કરીને હજીરા-ઘોઘા રોરો ફેરી સર્વિસ દ્વારા કુલ 6.49 લાખ મુસાફરો, 93985 કાર, 50229 દ્વિચક્રી વાહનો અને 72833 ભારે માલવાહક વાહનોની હેરફેર કરવામાં આવી છે.

ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ 390 કિમી છે જે દરિયાઈ માર્ગે ઘટીને માત્ર 90 કિમી થઈ ગયું છે, પરિણામે ઈંધણની મોટી બચત થઈ છે. અત્યાર સુધીમાં રો-રો પેક્સ ફેરી સર્વિસ દ્વારા 1,65,53,188 લિટર ઇંધણની બચત થઈ છે. પરિણામે 32408 મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયાનો અંદાજ છે. આ સેવા ઇંધણ બચત, રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને પ્રદૂષણને ઓછું કરી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા સાથે પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ સાર્થક કરી રહી છે.