Site icon Revoi.in

ઉત્તર-મધ્ય ભારતના રાજ્યોમાં 22મી મે સુધી હીટવેવનું એલર્ટ

Social Share

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, દિલ્હી, પંજાબ, હરિયાણામાં 22મી મે સુધી હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે પશ્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 20મી મે સુધી હીટવેવની ચેતવણી જાહેર કરી છે.

હવામાન વિભાગે આ રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર થવાની આગાહી કરી છે. દિલ્હીનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી વધુ નોંધાયું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14 વર્ષમાં પહેલીવાર 17મી મેએ તાપમાનનો પારો 46.2 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયો હતો.

વર્ષ 2011 પછી આ દિવસે ક્યારેય આટલું ઊંચું તાપમાન નોંધાયું નથી. હવામાન વિભાગે રવિવાર સુધી હીટવેવનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. જો આગ્રાની વાત કરીએ તો અહીં મહત્તમ તાપમાન 46.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શુક્રવારે દેશમાં આગ્રામાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. આ સિવાય શુક્રવારે રાજસ્થાનમાં તાપમાન 46.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.  

ગુજરાતમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે અને રાજ્યાના મોટાભાગના શહેરો-નગરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થયો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે અને બપોરના સમયે કામ વિના બહાર જવાનું પણ ટાળી રહ્યાં છે મેગાસિટી અમદાવાદમાં પણ તાપમાનનો પારો વધ્યો છે. અમદાવાદ મનપા દ્વારા હિટવેવની આગાહીને પગલે સાવચેતીના પગલા લેવામાં આવ્યાં છે. બીજી તરફ રાજ્યમાં તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી સુધી વધે તેવી આગાહી કરવામાં આવી છે. 

Exit mobile version