Site icon Revoi.in

દેશના અનેક રાજ્યોમાં હીટવેવની આગાહી, એપ્રિલમાં જૂન જેવી ગરમીઃ પારો 44 ડિગ્રીને પાર

Social Share

નવી દિલ્હી, 20 એપ્રિલ 2026: ભારતમાં આ વર્ષે ઉનાળો તેની તમામ મર્યાદાઓ વટાવે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગએ એપ્રિલથી જૂન દરમિયાન દેશના મોટાભાગના રાજ્યોમાં ભીષણ લૂ (હીટવેવ) ની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, આ વર્ષે તાપમાન સામાન્ય કરતા ઘણું ઊંચું રહેશે અને ગરમીનો ગાળો પણ લાંબો ચાલશે. મધ્યપ્રદેશના છતરપુરના નૌગાંવમાં ગરમીનો પારો વધીને 44.3 ઉપર પહોંચ્યો છે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, પૂર્વ, દક્ષિણ અને મધ્ય ભારતમાં ગરમીનું મોજું ફરી વળશે. પશ્ચિમ ભારતના ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં આકરી ગરમી અને ગરમ પવન (લૂ) ના કારણે સ્થિતિ પડકારજનક બનશે. પૂર્વ અને દક્ષિણ ભારતના ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને દક્ષિણ બંગાળમાં હીટવેવની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ભારતના ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને પંજાબના મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઝડપી ઉછાળો જોવા મળશે.

ઉત્તર ભારતના ઉત્તરપ્રદેશમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. બુંદેલખંડ સહિત દક્ષિણના 11 જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ જારી કરાયું છે. આ વર્ષે માત્ર દિવસ જ નહીં, પરંતુ રાત્રિનું તાપમાન પણ ઊંચું રહેતા લોકોની મુશ્કેલી વધી છે. એપ્રિલના બીજા પખવાડામાં જ મધ્યપ્રદેશમાં ગરમી વિકરાળ બની છે. રવિવારે છતરપુરના નૌગાંવમાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે આ સીઝનનું અત્યાર સુધીનું સૌથી ઊંચું સ્તર છે.

રાજસ્થાનના મોટાભાગના શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર કરી ગયો છે. જયપુર હવામાન કેન્દ્ર દ્વારા આગામી 3-4 દિવસ માટે હીટવેવનું ‘યેલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. બિહારના રોહતાસમાં 43 ડિગ્રી અને હરિયાણાના રોહતકમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હરિયાણામાં તાપમાન સામાન્ય કરતા 5 ડિગ્રી ઊંચું રહેતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

હવામાન વિભાગે નાગરિકોને સાવચેતી રાખવા સલાહ આપી છે કે, બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન સીધા તડકામાં જવાનું ટાળો. પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા તેમજ બાળકો, વડીલો અને બીમાર વ્યક્તિઓની ખાસ કાળજી રાખવી.

આ પણ વાંચોઃ જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી

Exit mobile version