Site icon Revoi.in

ગુજરાતમાં 30મી જુલાઈ સુધીમાં ભારે વરસાદની આગાહી, NDRFની ટીમને એલર્ટ કરાઈ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં આજે મંગળવારે સવારથી બપોર સુધીમાં 46 તાલુકામાં વરસાદ ભારે ઝાપટાં પડ્યા હતા. જ્યારે સોમવારે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં 196 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 28મી જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાશે, જેની અસરને પગલે ગુજરાતને સારો વરસાદ મળવાની સંભાવના છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સ્ટેટ ઇમર્જન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રખાયો છે.

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. આજે બપોર સુધીમાં 46 તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. જો કે ઉત્તર ગુજરાતમાં પ્રમાણમાં ઓછો વરસાદ નોંધાયો છે.

આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 196 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વડોદરા, પંચમહાલ, ભાવનગર,સુરત, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, બનાસકાંઠા અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9 મિમી સુધીનો વરસાદ ખાબક્યો છે. આજે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં હજી વરસાદની ઘટ જોવા મળી રહી છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને દૂર જતા રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે. ગુજરાતમાં હજુ સુધી 11.29 ઈંચ સાથે મોસમનો સરેરાશ 34.14 ટકા વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી કચ્છમાં 5.00 ઈંચ સાથે 31.34 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.95 ઈંચ સાથે 28.61 ટકા, મધ્ય ગુજરાતમાં 9.56 ઈંચ સાથે 32.37 ટકા, સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે 33.21 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 20.23 ઈંચ સાથે મોસમનો 36.93 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

હજી પણ રાજ્યમાં 10 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં મોસમનો 30 ટકા વરસાદ થયો છે. હજી પણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની ઘટ  છે. એ ઉપરાંત મધ્યગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. આ વિસ્તારોમાં ખેડૂતોએ વાવેતર કરતાં ખુશાલી જોવા મળી છે. ખેડૂતોએ હવે કઠોળ અને અનાજનું વાવેતર પણ શરૂ કર્યું છે. એ ઉપરાંત સૌથી વધુ કપાસ અને મગફળીનું વાવેતર થયું છે.

છેલ્લા બે દિવસથી વરસાદ થવાથી રાજ્યનાં જળાશયોમાં નવાં નીરની આવક થઈ છે, જેમાં ઉકાઈ, દમણગંગા, વાત્રક, ગુહાઈ, માઝમ, મેશ્વો, હાથમતિ જેવાં જળાશયોમાં નવાં નીર આવ્યાં છે. ઉકાઈ ડેમમાં 0.95 ક્યુસેક પાણીની આવક થઈ છે. દમણગંગામાં 0.29 લાખ ક્યુસેક, મચ્છુમાં 0.044 લાખ, કડાણામાં 0.69 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે ઉકાઈમાં 52.29 ટકા પાણીનો જથ્થો છે અને 0.83 ટકા પાણીની આવક નોંધાઈ છે.

રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં માર્ગો બંધ થઇ જતાં વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. સોમવારે સાંજે 6 વાગ્યાની સ્થિતિએ 8 જિલ્લામાં 54 માર્ગો બંધ થઇ ગયા છે, જેમાં 51 પંચાયત રસ્તા, 1 સ્ટેટ હાઇવે અને 2 અન્ય માર્ગોનો સમાવેશ થાય છે. આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને પણ દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. અનેક ઠેકાણે ચેકડેમ તથા ગામડાંના આંતરિક રસ્તાઓને ભારે નુકસાન થયું છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદ ખાબકતાં અનેક વચ્ચેનો સંપર્ક તૂટી જવા પામ્યો છે.