Site icon Revoi.in

અમરેલી જિલ્લામાં ભારે વરસાદ, ધાતરવાડી-2 ડેમના 12 દરવાજા ખોલાતા 10 ગામોને એલર્ટ કરાયાં

Social Share

અમરેલીઃ ગુજરાતમાં સતત વરસી રહેલી મેઘમહેર વચ્ચે રાજ્યના અનેક ડેમો અને નદીઓમાં પાણીની આવક વધી રહી છે. જેમાં અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તેમજ વરસાદની સાથે પાણીની ભરપુર આવક શરૂ થઈ છે . જેના લીધે ધાતરવડી-2 ડેમના એક સાથે 12 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ખાખબાઈ, હિંડોરણા, રામપરા, લોઠપુર, વડ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ નદી કાંઠે આવેલા ગામડાઓમાં પાણી ઘુસે તેવી શકયતા પણ છે.

અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સમયાંતરે પડતા વરસાદના ભારે ઝાપટાંને કારણે ખેતી પાકને પણ નુકશાન થવાની ભીતી છે. જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં તો હજુ તોઉતૈ વાવાઝાડાની અસરમાંથી બહાર નિકળ્યો નહતો ત્યાં ભારે વરસાદને પગલે લોકોની હાલત કફોડી બની છે. જિલ્લાના રાજુલા, જાફરાબાદ સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. જયારે રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યા છે. જયારે ભારે વરસાદના પગલે વડિયા નજીક આવેલો સાકરોળી ડેમ ઓવરફ્લો થયો છે. જેના પગલે ચારણ સમઢીયાળા, રેસમ ડીગાલોળ, થાણાગાલોલ, હનુમાન ખીજડિયા ગામને રાહત પીવાના પાણીની રાહત થઈ છે.

ગુજરાતમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગુરુવારે પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જયારે 30મી સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે અને દરિયાકિનારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવવામાં આવી છે.