Site icon Revoi.in

દ્વારકા પંથકમાં ધોધમાર વરસાદથી સોનમતી નદીમાં 9 ફુટ નવા નીર આવ્યા

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં અષાઢી બીજ પૂર્વે જ મેઘરાજાએ શુકન સાચવ્યા છે અને ઠેર ઠેર વરસાદ પડયો હતો. ઉપરાંત આજે પણ સવારથી ઠેર ઠેર વરસાદી વાતાવરણ સર્જાયું હતું. રવિવારે પડેલા વરસાદનાં લીધે રાજકોટ, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાનાં ચાર ડેમોમાં નવા નીરનાં શ્રી ગણેશ થયા હતા. સમયસર મેઘરાજાનું આગમન થતા ખરીફ પાકને જીવતદાન મળી ગયું છે. દ્વારકાના સોનમતી ડેમમાં વરસાદને લીધે નવ ફુટ નવા નીર આવ્યા હતા.

રાજકોટ સિંચાઇ વર્તુળનાં ફલડ કંટ્રોલ રૂમનાં જણાવ્યા મુજબ છેલ્લા ર4 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાનાં વેણુ-2માં 1.31 ફુટ નવું પાણી આવ્યુ છે. જયારે દ્વારકા જિલ્લાનાં સોનમતી ડેમમાં ભારે વરસાદનાં પગલે નોંધપાત્ર માત્રામાં નવા નીર આવ્યા છે. છેલ્લા ર4 કલાક દરમ્યાન સોનમતીમાં 9.19 ફુટ નવું પાણી ઠલવાયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ડેમની કુલ ઉંડાઇ 34.ર8 ફુટની છે. દરમિયાન છેલ્લા ર4 કલાક દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લાનાં બે ડેમોમાં પણ પોણો-પોણો ફુટ નવા નીર આવ્યા છે. વાંસલમાં 0.66 ફુટ અને ત્રિવેણી ઠાંગામાં 0.66 ફુટ, નવા પાણીની આવક થવા પામી છે. જયારે મોરબી-જામનગર જિલ્લાનાં એક પણ ડેમમાં નવા નીર હજુ આવ્યા નથી.