Site icon Revoi.in

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિથી કપાસના પાકમાં 20 ટકા જેટલી મોટી નુક્સાનીનો અંદાજ

Social Share

રાજકોટ : સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને લીધે ખેડુતો ચિંતિત બન્યા હતા ત્યાંજ મેઘરાજાએ વધુ હેત ઊભરાવીને ખેડુતોની ચિંતા વધારી દીધી છે. કારણકે રાજકોટ, જામનગર અને જૂનાગઢ પંથકમાં થયેલા ભારે વરસાદથી ખરીફ પાકોમાં અને ખેતીની જમીનમાં વ્યાપક નુક્સાન થઇ ચૂક્યું છે. કપાસમાં અને ઠેકઠેકાણે તલ, મગ અને અડદ જેવા ટૂંકાગાળાના પાકમાં બગાડ થયો હોવાનો પ્રાથમિક અંદાજ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં 41 હજાર હેક્ટર જેટલી ખેતીની જમીનમાં ધોવાણ અને પાક બગાડ થયો હોવાનો અંદાજ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂ કર્યો હતો. એ પછી રાજકોટ જિલ્લામાં 100 કરોડનું નુક્સાન થયાનું જિલ્લા કલેક્ટરે જાહેર કર્યું હતું. જોકે નુક્સાનીનો આંકડો ઘણો મોટો હોવાની સંભાવના પૂરતી છે.
કપાસિયા-ખોળના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે, ધ્રોલ, કાલાવડ, જામનગર આસપાસના વિસ્તારો, ધોરાજી, ગોંડલ, બાબરા અને આટકોટ પટ્ટીમાં કપાસના પાકને 15-20 ટકા જેટલું નુક્સાન ધોવાઇ જવાને લીધે થયું છે. મૂળી, સાયલા, હળવદ, ધ્રાંગધ્રા અને લીમડી આસપાસના વિસ્તારમાં વરસાદ સાધારણ હતો છતાં કુદરતી રીતે કોઇ રોગ આવી જતા કપાસનો ફાલ લાલ થઇ જાય છે અને ખરી પડે છે. રોગને લીધે આ વિસ્તારમાં 10-15 ટકા નુક્સાની જઇ શકે છે.
કૃષિ વિભાગના એક અધિકારીના કહેવા મુજબ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં  વધુ પડતું પાણી લાગી જવાને લીધે કપાસના પાકમાં નુક્સાન ઘણું થયું છે. પાણી લાગી જતા મૂળ ખવાઇ જાય છે અને છોડ ખરી પડે છે. પોરબંદર, માણાવદર, માંગરોળ અને ઉના પંથકમાં પણ વરસાદ થયો છે એટલે ત્યાં સમસ્યા છે. એક દોઢ દિવસ સુધી પાણી ભરાયેલું રહેતા કપાસ સૂકાવાની શરુઆત થઇ છે. ક્યાંક ક્યાંક ઢળીને બળી જાય છે. જોકે નુક્સાનીનો ખરો અંદાજ હજુ આઠ દસ દિવસ પછી આવશે. કારણકે હવામાં હજુ ભેજ ઘણો છે. મગ અને અડદ જેવા કઠોળ પાકો તૈયાર થવા આવ્યા હતા તેના પર વરસાદ પડવાથી દાગી થઇ જશે અને ગુણવત્તા પણ બગડશે. તલમાં પણ બગાડ છે. ડુંગળીમાં એકાદ મહિનાથી ઠેર ઠેર બાફિયો નામનો રોગ લાગુ થયાની બૂમ ઉઠી છે. જોકે વરસાદ માફકસર પડ્યો છે ત્યાં પાકની સ્થિતિ સારી છે અને ખેતરો લીલાંલહેર છે.